ઈન્ડીયન ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર પોતાની બેટિંગને લઈ યુવા વિકેટકિપર ઋષભ પંત ટિકાકારોના નિશાના પર છે. કહેવામાં આવી રહ્યું છે કે, પંત પોતાના વિકેટની કિંમત નથી સમજતો અને ક્રિઝ પર ટક્યા બાદ લાપરવાહીથી શોટ રમીને આઉટ થઈ જાય છે. જોકે, હાલમાં ભારતીય ટીમના આ ક્રિકેટરે પોતાના ટીકાકારોને જવાબ આપી દીધો છે. ઋષભ પંતે બેટિંગમાં તો કોઈ કમાલ કરી નથી પરંતુ, વિકેટકિપર તરીકે તેણે ઐતિહાસિક ઉપલબ્ધી મેળવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમે જમૈકા ટેસ્ટના ત્રીજા દિવસે પહેલી પારીમાં 299 રનની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ટીમે ફરી બેટિંગ કરી મેઝબાન ટીમ સામે 468 રનનો લક્ષ્યાંક રાખ્યો. વેસ્ટ ઈન્ડિઝ ટીમની બીજી પારીની શરૂઆત સારી રહી અને ત્રીજા દિવસની રમત પૂરી થયા સુધી બે વિકેટ ગુમાવી 45 રન બનાવ્યા હતા. ટીમને પહેલો ઝટકો ક્રેગ બ્રેથવેટ આઉટ થતા લાગ્યો, જ્યારે આ બેટ્સમેને ઈશાંત શર્માની ઓફ સ્ટંપ બહારની બોલ પર ડ્રાઈવ લગાવવાની કોશિસ કરી અને બેટના કિનારે બોલ વાગી સીધો ઋષભ પંતના હાથમાં સમાઈ ગયો.
ધોની 15 ટેસ્ટમાં બનાવ્યો હતો રેકોર્ડ, પંતે 11 મેચમાં તોડી દીધો રેકોર્ડ વિકેટની પાછળ ઋષભ પંતે ટીમ ઈન્ડીયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ પાડી દીધા છે, અને ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 50 શિકાર કરનાર વિકેટકિપર બની ગયો છે. પંતે માત્ર 11 ટેસ્ટમાં જ 50 શિકાર કર્યા, જ્યારે ધોનીએ તેના માટે 15 ટેસ્ટ રમવી પડી હતી. પંત જોકે, બેટિંગથી આ સિરીઝમાં કોઈ ખાસ કમાલ નથી કરી શક્યો. બે ટેસ્ટ મેચની ત્રણ પારીમાં તેણે બેટિંગથી માત્ર 58 રન જ બનાવ્યા છે. તેનો ઉચ્ચતમ સ્કોર 27 રહ્યો.
સૌથી ફાસ્ટ માર્ક બાઉચર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 50 શિકાર કરનાર વિકેટ કિપરમાં દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચર, ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ઓસ્ટ્રેલિયાના કપ્તાન ટિમ પેન સૌથી આગળ છે. આ ત્રણે લોકોએ 10 મેચમાં 50 શિકાર કર્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટ કિપર એડમ ગિલક્રિસ્ટે પણ 11 મેચમાં 50 શિકાર કર્યા હતા.
ઈશાંત શર્માએ કપિલ દેવને પાછળ પાડ્યા આ પહેલા જમૈકા ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ઈતિહાસ રચતા મહાનતમ ઓલરાઉન્ડર કપિલ દેવને પાછળ પાડી દીધા છે. ઈશાંત શર્મા હવે એશિયા બહારની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારો ભારતીય પેસર બની ગયો છે. તેના નામે હવે 156 વિકેટ છે, જ્યારે એશિયા બહાર કપિલ દેવની 155 વિકેટ છે. આમ તો એશિયા બહાર સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બોલરની વાત કરીએ તો, આ લીસ્ટમાં લેગ સ્પિનર અનિલ કુંબલે ટોપ પર છે. તેમણે 50 મેચમાં 200 વિકેટ એશિયા બહાર લીધી છે.
ટીમ ઈન્ડીયા જીતની નજીક ભારતીય ટીમ જમૈકા ટેસ્ટમાં જીતની ઘણી નજીક છે. 468 રનના લક્ષ્યાંકના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે પોતાની બીજી પારીમાં 2 વિકેટ પર 45 રન બનાવ્યા છે. મેચમાં હજુ પણ બે દિવસની રમત બાકી છે, અને લાગતુ નથી કે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ મુકાબલાના પાંચમા દિવસ સુધી ટકી શકે. એવામાં પૂરી આશા છે કે, ભારતીય ટીમ મેઝબાન ટીમની બાકી બચેલી આઠ વિકેટ પણ ઝડપી ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ કરી લેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર