પુણે. ભારતીય ટીમ (Team India)એ ઈંગ્લેન્ડ (England)ને ટેસ્ટ અને ટી20ની જેમ વનડે સીરીઝમાં પણ ધૂળ ચટાડી દીધી. ભારતે 4 મેચોની ટેસ્ટ સીરીઝ 3-1થી જીતી, પછી 5 મેચોની ટી20 સીરીઝ 3-2થી પોતાના નામે કરી અને વનડે સીરીઝમાં 2-1થી શાનદાર જીત નોંધાવી. નજર કરીએ સીરીઝ જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા પાંચ ખેલાડીઓ પર...
કેએલ રાહુલ- ભારતના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ટી20 સીરીઝમાં ફ્લોપ રહ્યો હતો અને તેની ઘણી ટીકા થઈ. રાહુલે ફરી વનડે સીરીઝમાં દમ દર્શાવ્યો અને તે ભારત માટે સૌથી વધુ રન કરનારો બેટ્સમેન પણ બન્યો. તેણે 3 મેચમાં 177 રન કર્યા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 101.14 અને સરેરાશ 88.50 રહી.
ઋષભ પંત- ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)એ બીજી વનડેથી આ ફોર્મેટમાં વાપસી કરી અને કમાલનું પ્રદર્શન કરતાં પોતાની જાતને સાબિત કરી. તેણે બે જ મેચ રમી અને કુલ 155 રન ફટકાર્યા. સીરીઝની અંતિમ બંને વનડેમાં અડધી સદી ફટકારી. આ ઉપરાંત પોતાની વનડે કારકિર્દીનો બેસ્ટ સ્કોર (ત્રીજી વનડેમાં 78 રન) પણ કર્યા. તે આ વનડે સીરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર પ્લેયરની યાદીમાં ત્રીજા નંબર પર રહ્યો. તેનો સ્ટ્રાઇક રેટ પણ 151.96 નો રહ્યો.
શિખર ધવન - ટીમ ઈન્ડિયાન સ્ટાર ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) પણ આ સીરીઝમાં ઝળક્યો અને તેણે 3 મેચોમાં બે અડધી સદી ફટકારી. તેણે કુલ 169 રન કર્યા જેમાં તેનો બેસ્ટ સ્કોર 98 રનનો રહ્યો. તેણે 56.33ની સરેરાશથી રન કર્યા અને સ્ટ્રાઇક રેટ પણ 94.41નો રહ્યો. તે સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો બેટ્સમેન રહ્યો.
શાર્દુલ ઠાકુર- મુંબઈના પેસર શાર્દુલ ઠાકુર (Shardul Thakur)એ વનડે સીરીઝમાં કમાલનું પ્રદર્શન કર્યું. ત્રીજી અને નિર્ણાયક વનડેમાં તો ધમાલ જ મચાવી દીધી અને રીસ ટોપલે, માર્ક વુડ, બેન સ્ટોક્સ જેવા દિગ્ગજોની બોલિંગમાં સિક્સરો ફટકારી, સાથોસાથ વિકેટ લેવામાં પણ પાછળ નથી રહ્યો. તે આ સીરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બન્યો. તેણે કુલ 7 વિકેટ લીધી જેમાં ઇકોનોમી રેટ 6.72ની રહી.
ભુવનેશ્વર કુમાર- ભારતના અનુભવી પેસર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)એ ઈજા બાદ આ સીરીઝમાં વાપસી કરી. તેણે ટી20 સીરીઝની પાંચ મેચ રમી અને પછી વનડે સીરીઝમાં પણ પોતાની ટીમની જીત માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી. જ્યારે પણ ટીમને જરુર પડી તો ભુવીએ વિકેટ લીધી. વનડે સીરીઝમાં તેની ઇકોનોમી રેટ સૌથી સારી 4.65ની રહી. તેણે 3 મેચોની સીરીઝમાં કુલ 6 વિકેટ લીધી. યુવા પેસર કૃષ્ણાએ પણ 6 વિકેટ ઝડપી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર