ન્યૂઝ18 ગુજરાતી : છેવટે તે દિવસ આવી જ ગયો, જેનો ક્રિકેટપ્રેમીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2019ની પોતાની પહેલી મેચ રમવા આજે મેદાનમાં ઉતરશે. સામે હશે દક્ષિણ આફ્રિકાની ટીમ. વર્લ્ડ કપમાં થયેલા મુકાબલાઓમાં દક્ષિણ આફ્રિકા ભારતીય ટીમને ચારમાંથી ત્રણ મેચમાં હરાવી ચૂકી છે. એવામાં ટીમ ઈન્ડિયા માટે આજની મેચ જીતવી પડકારરૂપ રહેશે. આજની મેચ સાઉથેમ્પટનના રોજ બાઉલ સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમનો આ મુકાબલો એટલા માટે પણ વધુ રસપ્રદ રહેશે કારણ કે ટૂર્નામેન્ટની બાકી તમામ ટીમો પોત-પોતાના અભિયાનની શરૂઆત કરી ચૂક્યા છે. માત્ર ભારત જ એવી ટીમ છે જેણે હજુ સધી એક પણ મેચ રમી નથી. ત્યાં સુધી કે જ્યારે ભારત પોતાની પહેલી મેચ રમવા ઉતરશે, ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન સહિત શ્રીલંકા અને અફઘાનિસ્તાન પણ ટૂર્નામેન્ટમાં બે-બે મેચ રમી ચૂકી છે.
મેચ પહેલા શરૂ થઈ માઇન્ડ ગેમ
મેચ પહેલા જ માઇન્ડ ગેમ પણ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકન બોલર કૈગિસો રબાડાએ એવું કહીને ઉત્સુક્તા વધારી દીધી છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અપરિપક્વ છે. વિરાટ કોહલીએ રબાડાના નિવેદન પર કહ્યું કે, તે તેનો જવાબ સાર્વજનિક મંચ પર નથી આપવા માંગતો. તે રબાડાને મળીને તેની પર વાત કરશે.
ટીમ ઈન્ડિયાની કુલ બેટિંગ સરેરાશ 47.45 છે જે તમામ ટીમોમાં સૌથી વધુ છે. બીજી તરફ, જે ગતિથી બેટ્સમેન રન બનાવે છે તે વધુ ખતરનાક છે. ટીમની સરેરાશ સ્ટ્રાઇક રેટ 94.29ની છે. બેટિંગ સરેરાશના મામલામાં બીજા સ્થાને દક્ષિણ આફ્રિકા છે, જેની સરેરાશ 37ની આસપાસ છે.
આંકડા ખોટું નથી બોલતા
- દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ છેલ્લી 10 વનડેમાં ટીમ ઈન્ડિયાએ 7માં જીત નોંધાવી છે. સક્સેસ રેટ 70%.
- કુલ 83 વનડે. ભારતે 34 તો દક્ષિણ આફ્રિકાએ 46માં નોંધાવી જીત. ત્રણ મેચોનું પરિણામ ન આવ્યું.
- તટસ્થ મેદાન પર દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 21માંથી 9 વનડે ભારતે જીતી, જ્યારે 11માં તેને હારનો સામનો કરવો પડ્યો. તટસ્થ મેદાન પર દક્ષિણ આફ્રિકાથી 12 વર્ષથી નથી હારી ટીમ ઈન્ડિયા.