નવી દિલ્હીઃ પાકિસ્તાન સુપર લીગ 2020 (Pakistan Super League 2020)ના નૉકઆઉટ મેચો કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સ્થગિત કરવામાં આવી છે. ટૂર્નામેન્ટની પાંચમી સીઝન પોતાના અંતિમ ચરણમાં હતી ત્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટર એલેક્સ હેલ્સ માં કોવિડ-19 ના લક્ષણ જોવા મળ્યા. એલેક્સ હેલ્સ પીએસએલ (PSL)ની ટીમ કરાચી કિંગ્સ (Karachi Kings) તરફથી રમી રહ્યો હતો. ત્યારબાદ ટૂર્નામેન્ટને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો જેથી કોરોના વાયરસથી વધુ કોઈ ખેલાડી સંક્રમિત ન થઈ જાય. હવે કરાચી કિંગ્સના માલિક સલમાન ઇકબાલે આ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે કે હેલ્સે તેમને રાત્રે બે વાગ્યે મેસેજ કરીને આ વિશે જાણકારી આપી હતી.
ટૂર્નામેન્ટ પહેલીવાર પાકિસ્તાનમાં આયોજિત થઈ રહી હતી
પાકિસ્તાન સુપર લીગ ટૂર્નામેન્ટ પહેલીવાર પાકિસ્તાનમાં આયોજિત થઈ રહી હતી. બધું ઠીક ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કોરોનાના કહેરે સમગ્ર દુનિયાને પોતાની ઝપટમાં લઈ લીધી. આ લીગમાં દુનિયાભરના ક્રિકેટર ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન એલેક્સ હેલ્સ માં કોવિડ-19 ના લક્ષણ જોવા મળતાં હોબાળો થઈ ગયો છે.
આ સમગ્ર મામલાને લઈ કરાચી કિંગ્સ ના માલિક સલમાન ઇકબાલ (Salman Iqbal)એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમને રાત્રે બે વાગ્યે ત્યારે એલેક્સ હેલ્સનો મેસેજ મળ્યો. તેણે લખ્યું હતું કે, બોસ મને કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યા છે. મને લાગે છે કે તમારા બધાયે પણ ટેસ્ટ કરાવવો જોઈએ. ત્યાબાદ કરાચી કિંગ્સના કોચ ડીન જોન્સનો ફોન આવ્યો કે તેઓ મને તાત્કલિક મળવા માંગ છે. અંતે કોરોનાના ખતરાને જોતાં ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.