બુલ્ગારિયા : રમતની દુનિયામાં અનેકવાર ઘણી મોટી દુર્ઘટના થઈ જાય છે. ચાલુ રમત દરમિયાન ક્યારેક કોઈ ખેલાડી દુનિયાને અલવિદા કહી દે છે. ક્રિકેટના મેદાન પર ક્યારેક કોઈ બોલ વિલન બની જાય છે તો ક્યારેક બૉક્સિંગ (Boxing)માં ખેલાડી. પરંતુ હાલમાં જ બૉક્સિંગ રિંગમાં એક એવી દુર્ઘટના બની, જેના કારણે મૅનેજમેન્ટ ઉપર પણ સવાલ ઊભા કરી દીધા. એક પ્રૉફેશનલ ફાઇટમાં ઈજાગ્રસ્ત થયા બાદ એક બૉક્સરને પોતાના જીવથી હાથ ધોવા પડ્યા, પરંતુ મોત બાદ ખુલાસો થયો છે કે જે નામના બૉક્સરનું મોત થયું છે એ તો જીવતો છે અને જેને દુનિયાએ અલવિદા કહી, તે તેના લાઇસન્સ પર રમી રહેલો તેનો ભાઈ હતો.
આ મામલો બુલ્ગારિયાનો છે. જ્યાં એક પ્રૉફેશનલ ફાઇટમાં ઈજાગ્રસ્ત થયા બાદ બોરિસે દુનિયાને અલવિદા કહી દીધી. તેના મોત બાદ તેના પિતરાઈ ભાઈ ઇસ્સે ખુલાસો કર્યો કે બોરિસ એક વર્ષથી તેના લાઇસન્સ પર રમી રહ્યો હતો. જોકે, ઇસ્સા નામથી રમી રહેલા બોરિસના મોત બાદ તો વર્લ્ડ બૉક્સિંગ કાઉન્સિલ (world boxing council)એ પણ 21 વર્ષના ઇસ્સાની મોત પર શોક વ્યક્ત કરી દીધો હતો. 21 વર્ષના ઇસ્સાએ ફેસબુક પર પૂરી હકીકત જણાવી. તેણે બીટીવી સાથે વાત કરતાં જણાવ્યું કે, બોરિસ એક વર્ષથી તેના લાઇસન્સનો ઉપયોગ કરી રહ્યો હતો, કારણ કે તે પોતાનું નામ સાર્વજનિક કરતાં પહેલા થોડો અનુભવ મેળવવા માંગતો હતો.
બોરિસ ફૅધરવેટ (featherweight)માં આર્દિટ મુરજાની વિરુદ્ધ રિંગમાં ઉતર્યો હતો. બંને વચ્ચે મુકાબલો શરૂ થયો અને થોડીક જ વાર બાદ મુરજાએ ડાબો જૈબ માર્યો. બોરિસ પોતાના કોર્નર પર આવતાં-આવતાં લથડી ગયો અને દોરડાથી ટકરાઈને પડી ગયો. તે બિલકુલ ઠંડો થઈ ગયો હતો. મૅડિકલ સ્ટાફે તેને ભાનમાં લાવવાના તમામ પ્રયાસ કર્યા. ત્યારબાદ તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેણે છેલ્લા શ્વાસ લીધા.