એરોન ફિન્ચની સદી (153) અને સ્ટિવ સ્મિથની અડધી સદી (73) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 87 રને વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 334 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 45.5 ઓવરમાં 247 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રીલંકા તરફથી કરુણારત્નેએ સૌથી વધારે 97 રન બનાવ્યા હતા. કુશાલ પરેરાએ 52 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 4 અને રિચર્ડસને 3 વિકેટ ઝડપી હતી.
આ જીત સાથે ઓસ્ટ્રેલિયા 8 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. બીજી તરફ શ્રીલંકા 1 પોઇન્ટ સાથે નવમાં ક્રમાંકે છે.
અગાઉ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 26 રન બનાવી ડી સિલ્વાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ફિન્ચ અને વોર્નર વચ્ચે પ્રથમ વિકેટ માટે 16.4 ઓવરમાં 80 રનની ભાગીદારી નોંધાઈ હતી.
ફિન્ચે શાનદાર બેટિંગ કરતા 53 બોલમાં 7 ફોર સાથે 50 રન પૂરા કર્યા હતા. ખ્વાજા 10 રન બનાવી ડી સિલ્વાનો બીજો શિકાર બન્યો હતો. ફિન્ચે એક છેડો સાચવી રાખતા 97 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે સદી ફટકારી હતી. બીજી તરફ સ્ટિવ સ્મિથે પણ શાનદાર ફોર્મ જારી રાખતા 46 બોલમાં 5 ફોર સાથે અડધી સદી ફટકારી હતી.
એરોન ફિન્ચ 132 બોલમાં 15 ફોર અને 5 સિક્સર સાથે 153 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સ્મિથ 59 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 73 રન બનાવી મલિંગાની ઓવરમાં બોલ્ડ થયો હતો.
મેક્સવેલે 25 બોલમાં 5 ફોર અને 1 સિક્સરની મદદથી અણનમ 46 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ કુલ્ટર નાઇલના સ્થાને બેહરનડોર્ફને તક આપી છે.