બીસીસીઆઈની જુનિયર પસંદગી સમિતિએ આગામી મહિને બાંગ્લાદેશમાં યોજાનાર એશિયા કપ માટે મંગળવારે 15 સભ્યોની ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 29 સપ્ટેમ્બરથી એશિયા કપ શરૂ થશે. પવન શાહને આ ટૂર્નામેન્ટ માટે સુકાની બનાવવામાં આવ્યો છે. ટીમમાં અનુજ રાવત અને સિમરન સિંહના રૂપમાં બે વિકેટકીપરોનો સમાવેશ કર્યો છે. પસંદગીકારોએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનો ટીમમાં સમાવેશ કર્યો નથી. તે શ્રીલંકા પ્રવાસમાં ભારતની અંડર-19માં ટેસ્ટ ટીમનો ભાગ હતો.
પસંદગીકારોએ એશિયા કપ સિવાય લખનઉમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થતી ચાર દેશોની વન-ડે શ્રેણી માટે પણ ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બી ટીમની પસંદગી કરી છે. અર્જુન તેંડુલકર ચાર દેશોની શ્રેણીમાં પણ ટીમમાં સ્થાન મેળવવા નિષ્ફળ રહ્યો છે. ઇન્ડિયા-એ 12 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન-એ સામે પ્રથમ મેચ રમશે.