છેલ્લા ઘણા સમયથી ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીના અંગત જિંદગીમાં ચાલી રહેલી ઉથલપાથલની અસર તેની પ્રોફેશનલ જિંદગી ઉપર પણ દેખાવા લાગી છે. પત્ની હસીન જહાંએ શમીની વિરુદ્ધ કેસ કર્યો છે, જેમાં કેસ પેન્ડિંગ છે. બીજી તરફ મીડિયા રિપોર્ટ મુજબ, હવે આ કેસના કારણે અમેરિકાએ તેને વીઝા આપવાની ના પાડી દીધી. જોકે, બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીની દખલ બાદ મામલો ઉકેલાયો અને તેમને વીઝા મળી ગયા. અમેરિકા બાદ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જઈ શકશે.
શમી વિન્ડીઝના વિરુદ્ધ રમાનારી ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. ટીમ ઈન્ડિયા વિન્ડીઝની મેજબાનીથી ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. શરૂઆતની બે ટી-20 મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે.
બીસીસીઆઈએ ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની વીઝા અરજી મુંબઈ સ્થિત અમેરિકન એમ્બેસીમાં આપી હતી. દૈનિક જાગરણના અહેવાલ મુજબ, શમી ભલે ટી-20 ટીમનો હિસ્સો ન હોય, પરંતુ તેને પણ અમેરિકા થઈને જ વિન્ડીઝ જવાનું છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રવિ શાસ્ત્રી પહેલાથી જ અમેરિકાના વીઝાધારક છે અને જે ખેલાડીઓની પાસે અમેરિકાના વીઝા નથી, તેમના માટે બીસીસીઆઈએ P-1 વીઝા કેટેગરીમાં અરજી કરી હતી.
ભારતીય ટીમ તરફથી જેટલા પણ સભ્યોએ અરજી કરી હતી, તેમાંથી શમીને બાદ કરતાં બધાને એક જ વારમાં વીઝા મળી ગયા. શમીના મામલામાં બીસીસીઆઈએ વધારાના દસ્તાવેજ એમ્બેસીમાં જમા કરાવ્યા, ત્યારબાદ જ તેને વીઝા આપવામાં આવ્યા.