Home /News /sport /2023નો એશિયા કપ રદ થઈ શકે છે, પાકિસ્તાની ખેલાડીએ કર્યો મોટો દાવો, કારણ પણ આપ્યું...
2023નો એશિયા કપ રદ થઈ શકે છે, પાકિસ્તાની ખેલાડીએ કર્યો મોટો દાવો, કારણ પણ આપ્યું...
એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનને મળ્યું હતું. (ICC/Twitter)
Asia Cup 2023: એશિયા કપ અને વન ડે વર્લ્ડ કપને લઈને ભારત અને પાકિસ્તાન સામસામે આવી ગયુ છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાની ના પાડ્યા બાદ PCB પણ વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલવાની ના પાડી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ એશિયા કપને લઈને મોટો દાવો કર્યો છે.
નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ એશિયા કપ 2023ને લઈને મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ચાલી રહેલી તકરારને કારણે એશિયા કપ 2023 રદ્દ થવાની પૂરી સંભાવના છે. કનેરિયાએ કહ્યું કે, હવે વધારે સમય બાકી નથી. ટુર્નામેન્ટની તારીખો ભલે જાહેર થઈ ગઈ હોય, પરંતુ સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ જ કારણ છે કે, આ વખતનો એશિયા કપ રદ્દ થઈ શકે છે.
દાનિશ કનેરિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “જ્યારે રમીઝ રાજા PCB અધ્યક્ષ હતા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, જો ભારત એશિયા કપ માટે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે તો પાકિસ્તાન પણ ODI વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય. ..” PCBના વર્તમાન અધ્યક્ષ નજમ સેઠીએ પણ આ જ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. આ કારણોસર એશિયા કપ યોજાય નહીં તેવી સંભાવના જણાઈ રહી છે.
વણઉકેલાયેલ મુદ્દો
એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાને કરી હતી. ગયા વર્ષે BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે, ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય. આ પછી પાકિસ્તાન તરફથી ખૂબ જ કડવી પ્રતિક્રિયાઓ સામે આવી હતી. જોકે, PCBના અધ્યક્ષ નજમ સેઠી કોઈપણ સંજોગોમાં એશિયા કપની યજમાની ગુમાવવા માંગતા નથી, તેથી તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની બેઠકમાં ઘણી વખત આ મુદ્દો ઉઠાવ્યો હતો. BCCIના સચિવ જય શાહ પણ ACCના અધ્યક્ષ છે.
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, પાકિસ્તાન એશિયા કપનું યજમાન રહેશે, પરંતુ ટૂર્નામેન્ટ 2 દેશોમાં રમાશે.ભારત સિવાય અન્ય તમામ 5 દેશો પાકિસ્તાનમાં હશે. સાથે જ ટીમ ઈન્ડિયા પોતાની મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમશે. દરમિયાન, ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપને લઈને, પાકિસ્તાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, તે તેની મેચો માટે ભારત નહીં જાય અને તટસ્થ સ્થળોએ રમશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર