વલસાડઃ શબને ટ્યુબ સાથે બાંધીને, નદી પાર કરી કરવી પડે છે અંતિમવિધિ

News18 Gujarati
Updated: July 23, 2018, 12:22 PM IST
વલસાડઃ શબને ટ્યુબ સાથે બાંધીને, નદી પાર કરી કરવી પડે છે અંતિમવિધિ
મૃતદેહને ટ્યુબમાં બાંધીને નદી પાર કરાવી રહેલા લોકો

  • Share this:
ખેડા જિલ્લાના માતર તાલુકાના મગનપુરા ગામના બાળકોને સ્કૂલે જવા માટે થર્મોકોલના ખોખામાં બેસીને શેઢી નદી પાર કરવી પડે છે તે સમાચાર તમે વાંચ્યા હશે. પરંતુ આજે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામની વાત કરવી છે. કપરાડાના ઓઝરડા ગામના લોકોએ ગામમાં કોઈનું મોત થઈ જાય તો મૃતદેહને ટ્યુબમાં બાંધીને સામા કાંઠે લઈ જવો પડે છે. લોકોએ અંતિમયાત્રા માટે પણ જીવનું જોખમ ઉઠાવવું પડે છે. વર્ષોથી ગામના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ આજે પણ તેમની સમસ્યા ઠેરની ઠેર જ છે.

સ્મશાન સામા કાંઠે આવેલું હોવાથી મુશ્કેલી

ઓઝરડા ગામની નજીકમાં જ દોલધા નદી પસાર થાય છે. ગામમાં એક સ્મશાન આવેલું છે જે નદીના સામે કાંઠે છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે ગામમાં કોઈનું મોત થાય છે ત્યારે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામના લોકોએ નદીના ધસમસતા પાણીમાં લાશને સામાકાંઠે લઈ જવાની ફરજ પડે છે.

વાંચોઃ શેઢી-વાત્રકમાં 'તરતું ગુજરાત', જીવનાં જોખમે 'ભણતું ગુજરાત'

શનિવારે આવી જ રીતે થઈ અંતિમવિધિ

શનિવારે આ ગામમાં બે વર્ષની બાળકીનું લાંબી બીમારી બાદ મોત થયું હતું. નદીમાં પૂર હોવાથી ફરી એક વખત ગામના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગામના લોકોએ એક ટ્યુબ સાથે શબને બાંધી દીધું હતું અને તેને નદી પાર કરાવી હતી. મૃતકોના સ્વજનો પણ પાણીમાં તરીને સામાકાંઠે પહોંચ્યા હતા. એટલું જ નહીં, અંતિમયાત્રા માટે લાકડા સહિતનો સામાન પણ આવી જ રીતે સામાકાંઠે પહોંચાડવામાં આવ્યો હતો. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.
મૃતકોના સ્વજનોએ પણ જીવના જોખમે નદી પાર કરવી પડે છે.


જીવના જોખમે અંતિમયાત્રા

મળતી માહિતી પ્રમાણે ઓઝરડા ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં એક ભાગ નદીના આ કાંઠે તો બીજો ભાગ નદીની પેલી પાર છે. નદીમાં પૂરની સ્થિતિ હોય ત્યારે નદી પાર કરવા માટે અહીંથી પાંચ કિલોમીટર દૂર એક પુલ આવેલો છે. પરંતુ આ પુલ પાર કર્યા બાદ એક નાનું નાલુ આવે છે. કપરાડામાં સામાન્ય રીતે ચોમાસાના ચારેય મહિના વરસાદ પડતો હોવાથી આ નાલા પરથી પણ પાણીનો પ્રવાહ વહેતો હોય છે. આથી ગામના લોકો આ પુલ પરથી પસાર ન થવાને બદલે જીવના જોખમે નદી પાર કરે છે.

ભરત પટેલ, વલસાડ
First published: July 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading