ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લાના છીપવાડ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધ દંપતી વચ્ચે ઝઘડો થતાં, ઝઘડામાં 71 વર્ષીય વૃદ્ધ પત્નીએ 78 વર્ષીય વૃદ્ધ પતિને માથામાં કપડા ધોવાનો ધોકો મારતા પતિનું મોત નિપજયુ હતુ. આમ વૃદ્ધા વસ્થામાં જ પત્નીએ પોતાના પતિની હત્યા કરી હોવાની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસનો કાફલો સ્થળ પહોંચ્યો હતો, અને પતિના હત્યાના ગુનામાં વૃદ્ધ પત્નીની પોલીસે ધરપકડ કરી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા વૈભવ કોમ્પલેક્ષમાં 71 વર્ષીય લક્ષ્મીબેન પટેલ અને 78 વર્ષીય અમરતભાઈ પટેલ એકલવાયું જીવન જીવતા હતા. સંતાનમાં બે દીકરીઓ હતી જેઓ પરિણીત હોવાથી સાસરિયે રહેતી હતી, અને પુત્ર ન હોવાથી આ બંને વૃદ્ધ દંપતી એકલવાયુ જીવન જીવતા હતા. જોકે થોડા સમય અગાઉ અમૃતભાઈનો અકસ્માતે પગ તૂટતાં સારવાર બાદ પથારીવશ હતા. આ વૃદ્ધ દંપતી જીવનના છેલ્લા પડાવમાં હોવા છતાં પણ 78 વર્ષીય પતિ અમરતભાઈ અવારનવાર પોતાની પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરતા હતા. પત્ની કોઈ કામથી ઘરની બહાર જાય તો તેના પર પતિ ખોટી શંકા રાખીતા આ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હતો.
પતિ-પત્ની વચ્ચે પતિના શંકાશીલ સ્વભાવને કારણે અવારનવાર ઝઘડા થતા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થતી હતી. જોકે બનાવના દિવસે 71 વર્ષીય પત્ની મંદિરે દર્શન કરી અને ઘરે જ પરત આવતાં વૃદ્ધ પતિએ પત્ની કોઈ પ્રેમીને મળવા ગઇ હોવાની આશંકા રાખી અને તેના પર આક્ષેપ કર્યો હતો. આથી આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આથી મોડી રાત્રે આવેશમાં આવી અને 71 વર્ષીય અમૃત પત્નીએ પોતાના 78 વર્ષીય વૃદ્ધ પતિને કપડાં ધોવાનો ધોકો મારતા પતિ ગંભીર રૂપે ઘાયલ થયા હતા, આથી તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ, સારવાર દરમિયાન પતિનું મોત નીપજયું હતું.
આ વૃદ્ધ દંપતિ વચ્ચેના ઝઘડામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાની ઘટનાની જાણ થતા જ વલસાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે પતિની હત્યા બદલ પત્ની લક્ષ્મીબેન પટેલની ધરપકડ કરી છે. જોકે આ બાબતે મૃતકના ભત્રીજાએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે, અને પોલીસ ફરિયાદમાં પણ અમૃતભાઈ પટેલના અવાર-નવાર શંકાશીલ સ્વભાવને કારણે દંપતી વચ્ચે ઝઘડા થતાં હોવાનું પણ નોંધ કરી છે.
પોલીસે હવે 71 વર્ષીય વૃદ્ધ પત્ની પોતાના મૃત પતિની શંકાશીલ સ્વભાવને કારણે થયેલી બોલાચાલીમાં આવેશમાં આવીને હત્યા કરી હોવાના કારણે, વલસાડ સીટી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ જીવનના છેલ્લા પડાવમાં પહોંચેલા વૃદ્ધ દંપતી વચ્ચે પતિના શંકાશીલ સ્વભાવને કારણે થયેલા ઝઘડામાં પતિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, અને આમ ફરી એક વખત શંકાના સ્વભાવે એક દાંપત્યજીવનને વેર વિખેર કર્યું હતું. 78 વર્ષીય પતિના હત્યાના ગુનામાં 71 વર્ષીય પત્ની પોલીસના કબજામાં છે, ત્યારે જીવનના છેલ્લા પડાવ પર પહોંચેલા વૃદ્ધ દંપતિ વચ્ચે થયેલો આ ઝઘડો અને તેના કારણ અને ઝઘડાના કરૂણ અંજામનો મામલો અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર