ભરતસિંહ વાઢેર, વલસાડ: કોરોનાના કપરા કાળમાં હજુ અનેક હૉસ્પિટલો (Hospital) દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી રહી છે. આવી હૉસ્પિટલો દર્દીઓ પાસે બાકી બિલની પઠાણી ઉઘરાણી કરી રહી છે. વલસાડ જિલ્લા (Valsad district)માં સૌથી જાણીતી એવી વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી (21st Century Hospital)માં ચાલતી Covid-19 હોસ્પિટલની પરવાનગી રદ કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટરે (Valsad district collector) મનમાની કરીને ગંભીર બેદરકારી દાખવતી હૉસ્પિટલોને સબક શીખવવા જિલ્લાની સૌથી જાણીતી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં ચાલતી કોવિડ હોસ્પિટલની માન્યતા રદ કરી નાખવાનો આદેશ કર્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ સરીગામના એક દર્દીને વાપીની જાણીતી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલના સત્તાવાળાઓએ દર્દીની કોરોનાના શંકાસ્પદ તરીકે સારવાર ચાલુ કરી હતી અને પરિવારજનો પાસે કોરોના સહિતની સારવાર માટે જરૂરી દવાઓ અને રેમડેસિવીર ઇન્જેક્શનો પણ મંગાવ્યા હતા. સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ કોરોના શંકાસ્પદ દર્દીના સ્વજનો પાસેથી હૉસ્પિટલનું બાકી નીકળતું બિલ વસૂલવા દર્દીના પરિવારજનોની કાર લખાવી લીધી હતી અને કારનો કબજો લઈ લીધો હતો.
હૉસ્પિટલની ગંભીર બેદરકારી આટલેથી અટકી ન હતી. હૉસ્પિટલના સત્તાવાળાઓએ કોરોના શંકાસ્પદ દર્દીનાં મૃતદેહને Covid-19 પ્રોટોકોલ મુજબ અંતિમસંસ્કાર કરવાને બદલે મૃતદેહ દર્દીના પરિવારજનોને સોંપી દીધો હતો. હૉસ્પિટલની આ ગંભીર બેદરકારી અંગે મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા.
જે બાદમાં વલસાડ કલેક્ટરે તેની ગંભીરતાથી નોંધ લીધી છે. તેઓએ કોરોનાની સારવાર દરમિયાન બેદરકારી દાખવવા ઉપરાંત દર્દીઓની મજબૂરીનો ગેરલાભ લેતી આવી હોસ્પિટલોને સબક શીખવવા વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હૉસ્પિટલમાં ચાલતી Covid-19 હૉસ્પિટલની માન્યતા રદ કરી નાખી હતી. આ ઉપરાંત એક કમિટી બનાવી આ મામલાની તપાસના આદેશ કર્યાં છે. તપાસમાં જો હૉસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવશે તો હોસ્પિટલ વિરુદ્ધ અન્ય કડક નિયમો હેઠળ પણ દાખલારૂપ કાર્યવાહી કરવા વલસાડ કલેક્ટરે તૈયારી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર