ભરતસિંહ વાઢેર, વલસાડ : અમદાવાદમાં આયશા, બાદ એક વ્યાપારી અને હવે વલસાડમાં ઘરકંકાસથી કંટાળેલા પતિએ હવે આપઘાત પહેલા પોતાની દર્દભરી કહાનીનો વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, વલસાડના જિલ્લાના માલવણ ગામમાં આજે પતિ-પત્નીએ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. વલસાડના ડુંગરી ના માલવણ ગામમાં આજે ઘર કંકાસને લઈ એક દંપતિએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ અને જીવનનો અંત આણ્યો હતો. જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બનાવ ને પગલે ડુંગરી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, અને તપાસ હાથ ધરી હતી.
પતિએ મરતા આ પહેલા વીડિયોમાં જણાવ્યું છે કે, 'જીવવાની તો ઘણી ઈચ્છા હતી પરંતુ, પત્ની અને સાસુથી કંટાળી હારી ગયો છું. આ લોકોએ... ', આ વીડિયોમાં તમે સાંભળી શકો છો કે, તેણે કયા કારણે આપઘાત કરી લીધો છે. પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ, પતિ પ્રફુલ પટેલ અને પત્ની પ્રિયંકા પટેલ વચે છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર ઝઘડો થતો રહેતો હતો. દંપતીના આપઘાતનું કારણ ઘર કંકાસ હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારમાં પત્ની પરિવારથી અલગ રહેવા માંગતી હતી, અને આ અલગ જ રહેવાની બાબતે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
પતિ એક કંપનીમાં કામ કરતો હતો અને આજે રજા હોવાથી બંને ઘરે હતા એ વખતે જ ફરી એક વખત ઘરમાં ઝઘડો થતાં પત્નીએ ગળેફાંસો આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ પતિએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
આમ વલસાડ જિલ્લાના માલવણ ગામમાં ઘર કંકાસે એક દંપતીનો ભોગ લીધો છે, અને બનાવને કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આમ ફરી એક વખત વલસાડ જિલ્લામાં ઘર કંકાસને કારણે એક પરિવારનો માળો વિખેરાયો હતો. પોલીસે આ મામલે જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.