ભરત પટેલ, વલસાડ : વલસાડનાં ઉમરગામમાં પતિએ પત્નીને વોટ્સએપ પર મેસેજ કરીને ટ્રિપલ તલાક આપ્યાં છે. જે બાદ પરિણીતાએ સાસુ, સસરા અને પતિ સામે નિસંતાન નણંદને પોતાની કૂખે જન્મેલું બાળક દત્તક આપવાની માંગ કરીને શારીરિક માનસિક ત્રાસ આપતાં હોવાની ફરિયાદ કરી છે. આ ઉપરાંત પરિણીતાને કુવામાં નાંખી મારી નાંખવાની ધમકી આપતા હોવાની પણ ફરિયાદ નોંધાવી છે.
પતિ વિદેશમાં નોકરી કરતો હતો
મળતી માહિતી પ્રમાણે સંજાણના બંદર રોડ પર રહેતા સલીમ મહંમદ કાલિયાની પુત્રી ફરહીનના લગ્ન સંજાણ બંદર ખાતે રહેતાં જૈલુન જાવેદ ઉમરમીયા કાલિયા સાથે વર્ષ 2015માં થયા હતા. લગ્નના બીજા દિવસથી સાસરીયાઓ ફરહીન સાથે ઝઘડો કરતા હતા. પતિ જૈલુન વિદેશમાં 8 મહિના શીપિંગ પર નોકરી કરતો હોવાથી તે બે કે ત્રણ મહના જ પોતાનાં ઘરે રહેતો હતો.
દરમિયાન વર્ષ 2016માં ફરહીનને એક પુત્રનો જન્મ થયો હતો. પરંતુ પતિને હંમેશા જ લાગતું કે આ પુત્ર તેનો નથી જેના કારણે બંન્ને વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતાં. જે પછી તે પીયર જતી રહી હતી. થોડા સમય પછી તે બંન્ને વચ્ચે સમાધાન થતાં તે પુત્ર સાથે ઘરે પરત ફરી હતી. ઘરે આવ્યાં પછી પતિ પત્નીને તેનો પુત્ર નિસંતાન નણંદને આપવાનું દબાણ કરતો હતો. પત્ની ના પાડતા તેને માર મારીને ધમકાવવામાં પણ આવતી હતી. પત્ની અને સાસરિયા વચ્ચે પણ ઝગડો થયો હતો જે બાદ સાસુ, સસરાએ તેને કુવામાં ફેંકીને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ કેસમાં જમાત પણ બેસાડવામાં આવી હતી પરંતુ તેમાં પણ બોલાચાલી થઇ હતી.
આ ઘટના બાદ પીયરમાં જ રહેતી પત્ની માટે સાસુ-સસરાએ જામા મસ્જીદમાં તલાકનામું જમા કરાવી તેના પિતાને આપ્યું હતું. જોકે તલાકનામાં પર જૈલુનની સહી ક્યાંથી કરાવેલી હતી ? તેમ જણાવતાં મસ્જિદના ટ્રસ્ટી શાહનાદ મુલ્લાએ જણાવ્યું હતું કે જૈલુને વોટ્સએપ તલાકનામું મોકલી આપ્યું છે. પત્ની અને તેના પરિવારને આ તલાક મંજૂર ન હતી. જેથી પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.