વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાને રાજ્યનું ચેરાપુંજી કહેવામાં આવે છે. અહીં દર વર્ષે સરેરાશ 115 ઇંચ જેટલો વરસાદ પડે છે. પંરતુ કડવી વાસ્તવિકતા એ છે કે વર્ષના 8 મહિના સુધી આ બંને તાલુકાઓને પીવાના પાણીની ફાંફાં પડી જાય છે. ધરમપુર અને કપરાડાના લોકોની પાણીના સમસ્યાને હલ કરતી યોજનાનું આજે મોદીએ રિમોર્ટથી ખાતમુહૂર્ત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરમપુર અને કપરાડા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડવા માટેની અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ 586 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આગામી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થવાનો અંદાજ છે.
સૌથી વધારે વરસાદ પડતો હોવા છતાં કેમ પીવાના પાણીના ફાંફા?
ચોમાસામાં સતત વરસાદને કારણે આ સમગ્ર વિસ્તાર હર્યો ભર્યો અને રળિયામણો લાગે છે. પરંતુ પહાડી વિસ્તાર હોવાને કારણે વરસાદનું પાણી નદી અને નાળાઓ વાટે 40 કિલોમીટર દૂર દરિયામાં વહી જાય છે. અતિ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ અને પહાડી વિસ્તારમાં વરસાદનું પાણી ટકતું નથી. આ વિસ્તારમાં સિંચાઇ માટેની બીજી કોઈ યોજના નથી. આ કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને દીવાળી બાદથી જ પાણીની શોધમાં ટળવળવું પડે છે. હવે અસ્ટોલ પાણી પુરવઠા યોજનાથી આ વિસ્તારના લોકોની વર્ષોની તરસ છીપાવવા જઇ રહી છે.
પહાડી વિસ્તાર હોવાથી અહીંના લોકોએ આઠ મહિના સુધી પાણી માટે ટળવળવું પડે છે.
કેવી રીતે પહોંચાડવામાં આવશે પાણી?
આ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માટે વલસાડની જીવાદોરી સમાન મધુબન ડેમમાંથી પાણીને પમ્પિંગથી લિફ્ટ કરવામાં આવશે. આ વિસ્તારના પહાડો પર ઉભા કરવામાં આવનાર મહાકાય પમ્પિંગ સ્ટેશનો પરથી પાણીને પમ્પ કરી ધરમપુર અને કપરાડા તાલુકાના 175 ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. 175 ગામમાં કપરાડા તાલુકાના 125 ગામના 816 ફળીયા અને ધરમપુર તાલુકાના 50 ગામોના 212 ફળીયાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.
આ મહાકાય યોજના માટે પહાડો પર 77 કિલોમીટરની મેઈન રાઇઝિંગ પાઈપલાઈન અને 919 કિલોમીટર લાંબી વિતરણ પાઈપલાઈન નાખવામાં આવશે. આ વિસ્તારમાં અતિ આધુનિક ટેકનોલોજીથી પાવરફુલ પમ્પિંગ મશીનરીથી પહાડો પર બનાવવામાં આવનાર 2 વિશાળ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, 6 વિશાળ ટાંકીઓ, 28 ભુગર્ભ ટાંકાઓ અને ગ્રામ્ય સ્તરે ઉભા કરવામાં આવનાર 1202 ટાંકીઓમાં મધુબન ડેમથી 1853 ફૂટની ઊંચાઈ પર વાવર ગામ સુધી પાણી ચઢાવવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર