વલસાડ જિલ્લા કૉંગ્રેસમાં મોટું ગાબડું, 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

વલસાડ જિલ્લા કૉંગ્રેસમાં મોટું ગાબડું, 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા.

આગામી સમયમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલા અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસમાં થયેલી 'તોડફોડ' જિલ્લા કૉંગ્રેસને મૂંઝવણમાં મૂકી શકે છે.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ: રાજ્યમાં પેટા-ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય તડ-જોડ શરૂ થઈ ગઈ છે. એવામાં વલસાડ જિલ્લામાં કૉંગ્રેસ (Valsad District Congress)માં મોટું ગાબડું પડ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા (Umargam Taluka) કૉંગ્રેસના કેટલાક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપ (BJP)ની છાવણીમાં બેસી ગયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના ધોડીપાડામાં રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન મંત્રી રમણ પાટકર (Minister Raman Patkar)ની અધ્યક્ષતામાં યોજાયેલા એક કાર્યક્રમમાં 500થી વધુ કૉંગ્રેસના કાર્યકર્તાઓ કૉંગ્રેસ છોડીને ભાજપની છાવણીમાં બેસી ગયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે.

  કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસમાં પડેલા મોટા ભંગાણને કારણે જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે. વલસાડ જિલ્લાના સરીગામના વિનોદ કિશોર રાજસિંગ નામના કૉંગ્રેસના અગ્રણી તેમના 500થી વધુ સમર્થકો સાથે કૉંગ્રેસ છોડીને ભાજપમાં બેસી ગયા છે. તેમને રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે કેસરીયો ખેસ ધારણ કરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

  કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરીગામથી ધોડીપાડા સુધી એક વાહન રેલી પણ યોજી હતી. વાહન રેલી બાદ ધોડીપાડામાં યોજાયેલા  કાર્યક્રમમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આગામી સમયમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલા અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસમાં થયેલી 'તોડફોડ' જિલ્લા કૉંગ્રેસને મૂંઝવણમાં મૂકી શકે છે. કૉંગ્રેસમાં ભંગાણને કારણે જિલ્લાનો રાજકીય માહોલ પણ ગરમાયો છે.

  ગુજરાત પેટાચૂંટણીનો કાર્યક્રમ

  ગુજરાતમાં ચૂંટણી માટે 9 ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. નોમિનેશનની સ્ક્રૂટિની 17 ઓક્ટોબરે થશે. ઉમેદવારી પરત ખેંચવાની મર્યાદા 19 ઓક્ટોબર છે. 3 નવેમ્બરે તમામ 8 બેઠકો પર મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

  કઈ બેઠક પર ચૂંટણી યોજાશે:

  અબડાસા: આ બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વિજેતા થયા હતા. તેમણે વિકાસ ન થતો હોવાનું કારણ ધરી અને પોતાની મૂળ પાર્ટી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ બેઠક પર તેઓ ઉમેદવાર માનવામાં આવે છે.

  કપરાડા: કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી આ બેઠક પર ધારાસભ્ય હતા.જોકે, તેમને દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા માનવામાં આવે છે અને તેઓ કૉંગ્રેસમાંથી લોકસભા પણ લડ્યા હતા.  કરજણ : કરજણ બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર અક્ષય પટેલ વિજેતા થયા હતા. તેમણે પણ કૉંગ્રેસનો સાથ છોડીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. અક્ષય આ બેઠક પર ભાજપના ઉમેદવાર માનવામાં આવે છે.

  ગઢડા : ગઢડા બેઠક પરથી ભાજપના મંત્રી આત્મારામ પરમારને હરાવીને પ્રવિણ મારૂ વિજેતા થયા હતા. મારૂએ પણ રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસને અલવિદા કહેતા આ બેઠક ખાલી પડી હતી.

  મોરબી: મોરબી બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં મૂળ ભાજપના જ નેતા એવા બ્રિજેશ મેરજા જીત્યા હતા. મેરજાએ કૉંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જોકે, આ બેઠક પર ભાજપના જ ઉમેદવાર કાંતિ અમૃતિયાએ વિરોધનો સૂર નોંધાવ્યો હતો.

  ધારી: આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જે.વી.કાકડિયાનો વિજય થયો હતો.તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસ છોડી અને ભાજપનો ખેંસ ધારણ કરી લેતા અહીંયા પેટા ચૂંટણી યોજાશે.

  લીંબડી: લીંબડી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાની જીત થઈ હતી. જોકે, તેઓ મૂળ જનસંઘી અને ભાજપી છે અને તેમણે કૉંગ્રેસનો સાથ છોડી દીધો છે. જોકે, તેઓ વિધાનસભાની પેટાચૂંટણી ભાજપમાંથી લડશે કે નહીં તે નિશ્ચિત નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:October 05, 2020, 11:10 am

  टॉप स्टोरीज