ભરત પટેલ, વલસાડ : રવિવારે વલસાડ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વાપીમાં સૌથી વધારે 14.34 ઇંચ વરસાદ પડ્યો છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદને કારણે ગણદેવીની અંબિકા નદી પર આવેલા દેવધા ટાઇડલ ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા. આ ઉપરાંત વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ હતી. રવિવારે ઔરંગા નદીના પાણીના પ્રવાહમાં એક આધેડ તણાયા હતા.
જિલ્લામાં ભારે વરસાદથી ધરમપુરની માન અને તાન નદી, કપરાડાની પાર નદી બે કાંઠે વહી હતી. આ ઉપરાંત માંડવીનો ગોડધા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કોઝવે અને ચેકડેમો પર પાણી ફરી વળ્યા હતા.