Home /News /south-gujarat /વ્યારા: પત્નીએ પતિને લાકડાના સપાટા મારી યમલોક પહોંચાડી દીધો

વ્યારા: પત્નીએ પતિને લાકડાના સપાટા મારી યમલોક પહોંચાડી દીધો

સોનગઢ પોલીસ સ્ટેશન

પતિ ચરિત્ર અંગે શંકા કર્યા કરતો હતો, જેને લઈ ઘરમાં વારંવાર ઝઘડાઓ થયા કરતા હતા

નરેન્દ્ર ભુવેચિત્રા, વ્યારા: છેલ્લા એક પખવાડિયામાં તાપી જિલ્લામાં ત્રણ જેટલી હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. આ ત્રણે હત્યાની ઘટનાઓ ઘરેલુ ઝઘડાઓને લઈ થયાનું સામે આવ્યું છે. પોતાના કહેવાતા જ કોઈએ કોઈ કારણોસર સંબંધોની હત્યા કરી છે. આજે ફરી સોનગઢના એક નાનકડા ગામમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં પત્નીએ પતિની હત્યા કરી યમલોક પહોંચાડી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામીમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ જીવ ખોવાનો વારો આવ્યો છે. જેની ફરિયાદ મૃતકના પુત્ર જીગ્નેશ ગામીતે સોનગઢ પોલીસને કરતા પોલીસે આરોપી પત્નીની શોધખોળ આદરી ગણતરીના કલાકોમાં જેલ ભેગી કરી દીધી છે.

પોલીસ સૂત્રો અનુસાર, નાના બંધારપાડા ગામે ડુંગરી ફળિયામાં રહેતા જેમસીંગભાઈ ગામીત તેની પત્ની રમીલાબેનના ચરિત્ર અંગે શંકા કર્યા કરતો હતો, જેને લઈ ઘરમાં વારંવાર ઝઘડાઓ થયા કરતા હતા. ગતરોજ પણ રાત્રે આજ બાબતે ઝઘડો થતા જેમસીંગભાઈએ તેની પત્નીને લાકડાના સપાટા માર્યા હતા, જેમાં ઉશ્કેરાયેલ રમીલાબેને જેમસિંહભાઈના હાથ માંથી લાકડું ઝૂંટવી તેમના માથાના ભાગે જિવલેણ વાર કરી મોતને ઘાટ ઉતારી પલાયન થઇ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, નજીવી બાબતે કે ઘરેલુ ઝઘડામાં તાપી જિલ્લામાં છેલ્લા એક પખવાડિયામાં ત્રણના જીવ જતા પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આજે આડાસંબંધના વહેમમાં એક પરિવાર વિખરાઈ ગયું છે, જેમાં પતિએ જીવ ગુમાવ્યો છે, જયારે પત્ની વિધવા બની જેલ ભેગી થઇ ગઈ છે, તો તેઓના પુત્રએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યો છે.
First published:

Tags: Husband, Vyara

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો