Home /News /south-gujarat /ગુજરાતની આ બેઠક પર છે કોંગ્રેસનો કબજો, આજ સુધી નથી જીતી બીજેપી

ગુજરાતની આ બેઠક પર છે કોંગ્રેસનો કબજો, આજ સુધી નથી જીતી બીજેપી

કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીત છેલ્લી ચાર ટર્મથી વિજેતા બની ભાજપને હંફાવતા આવ્યા છે

Gujarat Election : આ વિધાનસભા બેઠકને જીતવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ અગાઉ જાહેર સભા સંબોધી ચૂક્યા છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત દિવસોમાં તાપીની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકને અંકે કરવા જાહેર સભા સંબોધી હતી

  હેમંત ગામીત, વ્યારા : રાજ્યભરમાં હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ ધીમી ધીમે જામી રહ્યો છે અને હવે ગણતરીના દિવસોમાં જ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી આવી રહી છે ત્યારે વાત કરીએ તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા બેઠક કે જેના પર હમેશાં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે, રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારે લોકપ્રિયતા વચ્ચે પણ કોંગ્રેસે વ્યારા બેઠક જાળવી રાખી છે અને કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીત છેલ્લી ચાર ટર્મથી વિજેતા બની ભાજપને હંફાવતા આવ્યા છે. જેને કારણે વ્યારા વિધાનસભા બેઠક આજદિન સુધી ભાજપ જીતી શક્યું નથી.

  વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપની ચૂંટણી લડવાની વાત કરીએ તો, ભાજપ છેક 1990થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વ્યારા બેઠક પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતારી ચૂક્યું છે. જોકે ભાજપને ગુજરાતમાં 27 વર્ષનાં શાસન બાદ પણ વ્યારા બેઠક પર હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત ચૂંટણીઓ વ્યારા બેઠકને કબજે કરવા અનેક જાહેર સભાઓ સંબોધી અહીંના આદિવાસી મતદારોને આકર્ષવા ધમપછાડા કર્યા હતા.

  જોકે, નરેન્દ્ર મોદીનું જાદુ કે લહેર પણ વ્યારા વિધાનસભા મતવિસ્તારના મતદારોને આકર્ષવામાં હમેશાં નિષ્ફળ રહી હતી અને છેલ્લી ચાર ચાર ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીત સતત આ બેઠકથી આસાનીથી જીતી રહ્યાં છે. અને ભાજપ હંમેશા સત્તાથી દૂરનું દૂર જ રહેવા પામ્યું છે.

  આ પણ વાંચો: અમદાવાદની તમામ બેઠકો પર કમળ ખીલવવા ભાજપે ખેલ્યો છે મોટો દાવ

  1990થી અત્યાર સુધી વ્યારા વિધાનસભા બેઠકનાં પરિણામો પર નજર કરીએ તો 1990ની વિધાનસભા ચૂંટણીમાં વ્યારા બેઠક પર અપક્ષ ઉમેદવાર અમરસિંહ ચૌધરીને 34, 320 મતો મળ્યા હતા અને 1708 મતે જીત્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ.મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરી હાર્યા હતા. ભાજપના ઉમેદવાર સુમુન ગામીતને માત્ર 2614 મત જ મળ્યા હતા. ત્યારબાદ 1995 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રણજિત પાવાગઢીને ટિકિટ આપી હતી જેને 14,490 મત મળ્યા હતા અને ભાજપના ત્રીજા નંબરે રહી હતી.

  ત્યારબાદ 1998ની વિધાનસભા ચૂંટણી ભાજપે એક સમયનાં અપક્ષ ધારાસભ્ય અમરસિંહ જેડ.ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા જોકે અમરસિંહ ચૌધરી પણ 16,070 મતે હાર્યા હતાં. જોકે છેલ્લી બે ટર્મમાં ત્રીજા સ્થાને રહેલી ભાજપ બીજા સ્થાન પર પહોંચવામાં સફળ રહી હતી. સાલ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પૂર્વ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની સામે મહિલાને ટિકિટ આપી હતી. જેમાં પણ ભાજપના ઉમેદવાર શારદાબેનને માત્ર 14,389 મત મળ્યાં હતાં જેની સામે તુષાર ચૌધરીને 54797 મતો મળ્યા હતા અને ભાજપ કરતાં વધુ મત તો અપક્ષ ઉમેદવારને 26401 મત મળ્યાં હતાં. જેને કારણે ભાજપનું મોટાપાયે ધોવાણ થતાં ભાજપ ત્રીજા સ્થાને રહી હતી.

  આ પણ વાંચો: મધુ શ્રીવાસ્ત્વની મુશ્કેલીઓ વધી, જાણો મામલો

  2004માં માંડવી લોકસભા બેઠક પરથી ડૉ.તુષાર ચૌધરી સાંસદ તરીકે ચૂંટાતા વ્યારા વિધાનસભા બેઠક ખાલી પડતાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પુનાજી ગામીત વ્યારા બેઠક પર પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદથી લઈને અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર પુનાજી ગામીત વ્યારા બેઠક પર ધારાસભ્ય તરીકે બિરાજમાન રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2007 અને 2012 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રતાપ ગામીત વ્યારા બેઠક પરથી સતત બે વખત હાર્યા બાદ 2017 માં ભાજપે વ્યારા તાલુકા પંચાયતના માજી.પ્રમુખ અરવિંદ ચૌધરીને ચૂંટણી લડાવી હતી. જેનાં પ્રચાર માટે ભાજપના દિગ્ગજ નેતા અને હાલનાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ વ્યારા ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી. તેમ છતાં ભાજપ વ્યારા બેઠકને કબજે કરવામાં નિષ્ફળ રહ્યું હતું અને કોંગ્રેસના ઉમેદવાર પુનાજી ગામીત 24414 જેટલાં જંગી મતે જીત્યા હતા.

  આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ વ્યારા વિધાનસભા બેઠક પરથી જીતવાનો પ્રબળ દાવો કરી રહ્યું છે. વ્યારા વિધાનસભા બેઠકને જીતવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ અગાઉ જાહેર સભા સંબોધી ચૂક્યા છે તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત દિવસોમાં તાપીની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકને અંકે કરવા જાહેર સભા સંબોધી હતી આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પણ પ્રચારમાં ઉતરી રહ્યાં છે. ત્યારે તાપીની વ્યારા વિધાનસભા બેઠકને કદી ન જીતવાનું કલંક ભાજપ દૂર કરશે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાપી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય મળતાં આ વખતે ભાજપ વ્યારા વિધાનસભા બેઠક આસાનીથી જીતી જશે તેવા આત્મવિશ્વાસમાં રાંચી રહ્યું છે.
  " isDesktop="true" id="1286193" >

  વ્યારા બેઠક પરથી ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો પણ ફાટ્યો હતો અને લગભગ 22 જેટલાં ઉમેદવારોએ ટિકિટની દાવેદારી નોંધાવી હતી ત્યારે ભાજપે તાપી જિલ્લા પંચાયતનાં કારોબારી સમિતિના અધ્યક્ષ મોહન કોંકણી પર પસંદગી ઉતારી હતી અને મોહન કોંકણી વ્યારા વિધાનસભા બેઠક પર ભાજપનું કમળ ખીલશે તેવો દાવો કરી રહ્યા છે જોકે વ્યારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ફરી સત્તા પર આવશે કે ભાજપને પ્રથમ વખત જીતનો સ્વાદ ચાખવાનો મળશે તે ચૂંટણી અને ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, તાપી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन