હેમંત ગામિત, તાપીઃ ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. તેમજ ખેતીના પાકને રોગથી બચાવવા જંતુનાશક દવાઓના પણ વ્યાપક ઉપયોગથી ખેતપેદાશોની ગુણવત્તા પણ કથળી છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળી રહ્યા છે. ખેડૂતો પાછા પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર પણ કટિબદ્ધ છે. ત્યારે તાપીના છેવાડાના ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના માણેકપુર ગામના એકમાત્ર ખેડૂત એવા રતિલાલ ગામિત વર્ષ 2019થી કોઈ પણ જાતના રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ વગર જીવામૃત થકી સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ જંગલ મોડેલ પદ્ધતિથી એકસાથે અનેક 15થી વધુ વિવિધ પાકની સફળતાપૂર્વક ખેતી કરી રહ્યાં છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે.
ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ખેતી કરે છે
આજે વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે ખેતીલાયક જમીન બિનઉપજાઉ બની જાય છે. હાલ ખેડૂતો ખેતીલાયક જમીનની ફળદ્રુપતા પાછી મેળવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી સમયની માગ છે. ત્યારે તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામના આદિવાસી ખેડૂત છેલ્લા ત્રણ વર્ષથી કોઈપણ જાતના રાસાયણિક ખાતર વગર જંગલ મોડેલથી સફળતાપૂર્વક ખેતી કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.
ઉચ્છલના આ સફળ ખેડૂત ખેતરમાં જંગલ મોડેલ પદ્ધતિ અપનાવીને અન્ય ખેડૂત માટે પ્રેરણાદાયી બન્યા છે. રતિલાલભાઈએ હાલ જંગલ મોડેલથી 500 જેટલાં સરગવા , 409 કેળ, 300 જેટલાં સીતાફળ, જમરૂખ, ચીકુ, કેરી તેમજ વિવિધ આંતરપાકો અને શાકભાજી ઉગાડવામાં સફળ રહ્યા છે. તેમજ સફરજન, અંજીર અને દ્રાક્ષના છોડ ઉગાડીને એક નવો પ્રયોગ પણ કર્યો છે.
અન્ય ખેડૂતોને આહ્વાન કર્યુ
સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી સો ટકા સફળ થઈ છે. ત્યારે આ ખેતીને પ્રોત્સાહન મળે તેમજ અન્ય ખેડૂતો પણ આ જંગલ મોડેલ પદ્ધતિથી ખેતી કરે તે માટે ઉચ્છલના આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતોને આહ્વાન કરી રહ્યાં છે. પર્યાવરણને વધુ નુકસાન થતુ બચાવવા માટે તેમજ બંજર બની ગયેલી જમીનને સુધારવા માટે ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે ખૂબ જ જરૂરી બન્યું છે. ત્યારે તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારના આ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજના આધુનિક યુગમાં મોટાભાગના શિક્ષિત યુવાનો કે જેઓ ખેતી કરવાથી દૂર ભાગી રહ્યાં છે. ત્યારે ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામના આ ખેડૂત અને તેમના પત્ની જંગલ મોડેલમાં કરેલા વિવિધ પાકોની નિયમિતપણે માવજત કરીને દર પંદર દિવસે જીવામૃતના ઉપયોગ વડે સફળ ખેતી કરી રહ્યા છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર