Severe Shortage Of Water: દર ચોમાસે તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતો હોય એવા તાપીના ડોલવણ તાલુકામાં લોકો વર્ષોથી પાણીની ભારે હાલાકી વેઠી રહ્યા છે. સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચીને ડોલવણના પાણીની વંચિત વિસ્તારોમાં પાણી પહોંચાડવા જૂથ પાણી પુરવઠા યોજના સહિત વાસ્મો દ્વારા અમલી યોજના માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન જ પૂરવાર થઈ છે.
હેમંત ગામીત, તાપી: દર ચોમાસે તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડતો હોય એવા તાપીના ડોલવણ તાલુકામાં લોકો વર્ષોથી પાણીની ભારે હાલાકી વેઠી રહ્યા છે. સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચીને ડોલવણના પાણીની વંચિત વિસ્તારોમાં પાણી પહોંચાડવા જૂથ પાણી પુરવઠા યોજના સહિત વાસ્મો દ્વારા અમલી યોજના માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન જ પૂરવાર થઈ છે. પાણી વિનાની પાણીની યોજનાઓ કારગત ન નીવડતા ડોલવણ સહિત તાલુકાના કાકડવા, પાટી, કોસમકૂવા, વરજાખણ વગેરે ગામોમાં વસતા લોકોને દર વર્ષે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડે છે.
નળ મારફતે પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ
સરકાર દ્વારા રાજ્યમાં ‘હર ઘર નળ સે જળ’ પહોંચાડવા માટે કરોડો રૂપિયાનું આંધણ ફૂંકાઈ ચૂક્યું છે. સરકાર દરેક દરેક ઘરે નળ મારફતે જળ પહોંચાડવાના અનેક વખત દાવા કરી ચૂકી છે ત્યારે તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં ઘરે ઘરે નળ તો પહોંચ્યા છે પરંતુ આ તકલાદી નળ મારફતે જિલ્લાના અનેક ઘરોમાં નળમાંથી ટીપું પાણી પણ મળ્યું નથી. તાપીના ડોલવણ તાલુકાની જ વાત કરીએ તો ડોલવણ સહિત કાકડવા તેમજ પાટી ગામમાં અનેક ઘરોમાં નળ મારફતે પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડયુ છે. કાકડવા ગામમાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પાણી મુદ્દે રિયાલિટી ચેક કરતાં ઘરે ઘરે વાસ્મો દ્વારા નાખવામા આવેલા કેટલાંક નળ તો ચકલી વિનાનાં સૂકાભઠ્ઠ જોવા મળ્યા હતા. તેમજ પાણીની ટાંકીઓ પણ વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી હતી.
ડોલવણ તાલુકા મથકના જ છેવાડાના ફળિયામાં જ પાંચ પાંચ વર્ષ પહેલા મુકેલા નળમાં આજદિન સુધી ટીપું પાણી પણ પહોંચ્યું નથી. જેને કારણે લોકોને ખાસ કરીને ઉનાળામાં પાણી માટે ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. દર વર્ષે સર્જાતી પાણીની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવતાં ન હોય સરકાર દ્વારા પાણીની યોજનાઓ પાછળ ફાળવવામાં આવતા કરોડો રૂપિયાનો ધુમાડો જ થતો આવ્યો છે. ડોલવણ તાલુકામાં દર વર્ષે જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાતો હોય છે. જોકે શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ડોલવણના ખાસ કરીને પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં પાણીની અછત ઉભી થવા લાગે છે. પાણીની અછત ધરાવતા આ વિસ્તારમાં પાણી પહોંચાડવા તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોલવણ જૂથ પાણી પુરવઠા યોજના અમલી બનાવી હતી.
જોકે આ યોજના થકી માત્ર અમુક વિસ્તારો સુધી જ પાણી પહોંચતું થયું હતું અને આ યોજના હેઠળ આવતાં અનેક ડોલવણ સહિત કાકડવા તેમજ પાટી સહિતના અનેક ગામમાં પાણી આજદિન સુધી પહોંચ્યું જ નથી. આ ગામોમાં ત્યાર બાદ ફળિયા દીઠ મિની પાણીની ટાંકીઓ પણ મુકવામાં આવી છે. જોકે આ ટાંકીઓમાંથી પણ મોટાભાગની પાણીની ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. ઘરે ઘરે નળ જોડાણ આપીને તંત્ર નળ મારફતે જળ પહોંચાડવા તાપી જિલ્લાનું વહીવટ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે ત્યારે જેનો ભોગ તાપીના ડોલવણ સહિતના ગામડાઓ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. હજું તો શિયાળો પૂરો થયો નથી ત્યાં તાપીના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળા પહેલાં જ પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે ત્યારે લોકો નળ મારફતે જળ મળે તેવી સરકાર પાસે આશ રાખીને બેઠા છે.
ઉલ્લેખનીય છે કે, માત્ર ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ પાણીની સમસ્યા સર્જાય છે તેવું નથી તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર તેમજ કૂકરમુંડા સહિતના અનેક એવા છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાતી જ હોય છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે જોકે કરોડો રૃપિયા ખર્ચવા છતાં લોકોને પાણી મળતું નથી તે એક કડવી વાસ્તવિકતા છે જેને સ્વીકારવી રહી. હવે કેટલો સમય લોકોને પાણીની હાલાકી વેઠવી પડશે તે તો સમય આવે જ ખબર પડશે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર