દક્ષિણ ગુજરાતના માંડવી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ પણ બારડોલી બેઠક પરથી ટિકિટ માંગી હતી. એટલું જ નહીં તુષાર ચૌધરીનું નામ નક્કી થતાં તેમણે રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
નરેન્દ્ર ભુવેચિત્રા, તાપી : ગુરુવારે સાંજે કોંગ્રેસ તરફથી ગુજરાતના નવા 13 નામની જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રમાણે બારડોલી બેઠક પરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. અધિકારિક યાદીમાં નામ ન આવતા તુષાર ચૌધરી મૂંઝવણમાં મૂક્યા હતા. જોકે, તેમણે દાવો કર્યો હતો કે પક્ષ તરફથી તેમનું નામ નક્કી જ છે. મોડીરાત સુધી કોંગ્રેસ પાર્ટી તરફથી બારડોલી બેઠક બાબતે કોઈ ફોડ પાડવામાં આવ્યો ન હતો. આ મામલે હવે શુક્રવારે વિધિવત જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
માંડવીના ધારાસભ્યની ધમકી બાદ કોંગ્રેસે જાહેરાત અટકાવી
મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના માંડવી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ પણ બારડોલી બેઠક પરથી ટિકિટ માંગી હતી. એટલું જ નહીં તુષાર ચૌધરીનું નામ નક્કી થતાં તેમણે રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આનંદ ચૌધરીની ધમકી બાદ જ કોંગ્રેસે બારડોલી બેઠક પર જાહેરાત અટકાવી દીધી હતી. આનંદ ચૌધરીને દિલ્હીના નેતાઓ સાથે વાતચીત કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે બાદમાં આનંદ ચૌધરીને સમજાવટ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત સુધી આ બાબતે કોઈ નિવેડો ન આવતા આખરે કોંગ્રેસે બારડોલી બેઠક પર જાહેરાત અટકાવી દીધી હતી.
શુક્રવારે તુષાર ચૌધરીનું નામ જાહેર થઈ શકે
ચર્ચા પ્રમાણે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા શુક્રવારે તુષાર ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. ગુરુવારે તેમના નામની જાહેરાત બાદ તેમણે કોંગ્રેસ તરફી આભાર માનતો ઇન્ટરવ્યૂ પણ આપી દીધો હતો. તેમના અનેક સમર્થકો પણ તેમને અભિવાદન આપવા માટે પહોંચ્યા હતા. જોકે, સાંજે યાદીમાં તેમનું નામ ન આવતા તેઓ મૂંઝવણમાં મૂક્યા હતા.
આદિવાસી સમાજની સભા યોજાઈ
બારડોલી લોકસભા બેઠક મામલે કોંગ્રેસે ટિકિટની જાહેરાત કર્યા બાદ ખેરગામ તાલુકાના વાંદરવેલા ગામ ખાતે આદિવાસી સમાજની સભા યોજાઈ હતી. મોડી રાત્રે આ સભા યોજાઈ હતી. આ બેઠકમાં વાંસદાના ધારાસભ્ય તેમજ આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ ન આપવામાં આવી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બારડોલી બેઠક પર કયા નેતાને સમર્થન આપવું તે બાબતે ચર્ચા થઈ હતી. શનિવારે આદિવાસી સમાજ દ્વારા કયા નેતાને પોતાનું સમર્થન જાહેર કરવું તેની જાહેરાત કરવામાં આવી શકે છે.
કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલા ઉમેદવારો
બેઠક
ઉમેદવાર
પાટણ
જગદીશ ઠાકોર
પંચમહાલ
વી.કે. ખાંટ
બારડોલી
તુષાર ચૌધરી (સંભવિત)
વલસાડ
જીતુ ચૌધરી
પોરબંદર
લલિત વસોયા
જૂનાગઢ
પૂંજાભાઈ વંશ
રાજકોટ
લલિત કથગરા
કચ્છ
નરેશ એન.મહેશ્વરી
નવસારી
ધર્મેશ પટેલ
અમદાવાદ (વેસ્ટ)
રાજુ પરમાર
વડોદરા
પ્રશાંત પટેલ
છોટાઉદેપુર
રણજીત રાઠવા
આણંદ
ભરતસિંહ સોલંકી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર