Home /News /south-gujarat /વ્યારાઃ મુસાફરના ખિસ્સામાં મોબાઇલ સળગતા બે મહિલા ચાલુ બસે કૂદી

વ્યારાઃ મુસાફરના ખિસ્સામાં મોબાઇલ સળગતા બે મહિલા ચાલુ બસે કૂદી

પ્રતિકાત્મક તસવીર

મોબાઇલ સળગતાં દાઝેલા મુસાફરે બૂમાબૂમ કરી તો અન્ય બે મહિલાઓ ચાલુ બસે દરવાજો ખોલી કૂદી પડી હતી.

ન્યૂઝ18ગુજરાતીઃ વ્યારા તાલુકાના ઉચ્છલના કરોડથી વ્યારા તરફ આવતી એસ.ટી. નિગમની બસમાં એક મુસાફરના ખિસ્સામાં મોબાઇલ સળગ્યો હતો. મોબાઇલ સળગતાં દાઝેલા મુસાફરે બૂમાબૂમ કરી તો અન્ય બે મહિલાઓ ચાલુ બસે દરવાજો ખોલી કૂદી પડી હતી.

સોનગઢ ડેપોની વ્યારા-ફૂલઉંમરાણ એસ.ટી.નં જીજે વાય 9170 તા. 16ના રોજ સવારે 8 કલાકે વ્યારાથી ફૂલઉંમરાણ પહોંચી હતી. ત્યારબાદ ફૂલઉમરાણથી 10.20 કલાકે ઉપડીને ઉચ્છલ તરફ આવી રહી હતી. તે દરમિયાન માણેકપુર આઇ.ટી.આઇ પાસે વિદ્યાર્થી પેસેન્જરોને ઉતાર્યા બાદ બસ આગળ વધી રહી હતી.

આ સમયે એક મુસાફર જયપાલ ભાવજીભાઇ વળવીના ખિસ્સામાં મુકેલા મોબાઇલમાંથી ધુમાડો નીકળવા લાગ્યા હતા. બેટરી બ્લાસ્ટ થતા આગ લાગતા મુસાફરે ચાસાચીસ કરી મુકતા બસમાં બેસેલા અંદાજીત 25 જેટલા મુસાફરોમાં ગભરાટ વ્યાપતા જે અંગે કંડક્ટર તથા ડ્રાઇવર કંઇક સમજે તે પહેલા તો બે મહિલા મુસાફરો દરવાજો ખોલીને ચાલુ બસમાંથી નીચે કૂદી ગઇ હતી.

મોબાઇલની બેટરી ફાટતા આગને લીધે મુસાફર પગના જાંઘના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે બસમાંથી પડતું મુકનાર બે મહિલાઓ સેવાબેન રૂબિનભાઇ ગામીત અને રસિદા એ. વળવીને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બંને મહિલાઓ તથા મોબાઇલથી દાઝેલા મુસાફર મળી ત્રણેય વ્યક્તિઓ તથા અન્ય મુસાફરોને લઇને બસચાલકે બસ સીધી સરકારી દવાખાનામાં હંકારી મુકી માનવતા દાખવી હતી.

આ પણ વાંચોઃ-ટીવી ચાલુ કરો તો મોદી જ આવે છે, તમારે બોલતા પહેલા 10 વાર વિચારવું પડે : સામ પિત્રોડા

તમામને સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, બંને મહિલાઓ ગંભીર ઇજા થઇ હોવાથી સુરત તરફ રીફર કરવામાં આવી હતી. આ અંગે કડક્ટર દ્વારા પોલીસ મથકે લેખિત જાણ કરી હતી.
First published:

Tags: Vyara, દક્ષિણ ગુજરાત