Home /News /south-gujarat /શાળામાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? તાપી જિલ્લામાં 58 જેટલી શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે
શાળામાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? તાપી જિલ્લામાં 58 જેટલી શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે
સૌથી વધુ 100 સ્કુલો એકલા કચ્છમાં એક શિક્ષકથી ચાલતી હોવાનું વિધાનસભામાં ખુદ સરકારે જાહેર કર્યું છે.
Tapi News: તાપીમાં વ્યારાની ટીચકપુરા તેમજ વાલોડ તાલુકામાં દેગામા અને અંબાચ પ્રાથમિક શાળામાં છેલ્લાં એક વર્ષથી શિક્ષણ કાર્ય માત્ર એક જ શિક્ષક દ્વારા ચાલી રહ્યું હતું. હાલ પણ તંત્ર દ્વારા માત્ર પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરીને સંતોષ માન્યો છે ત્યારે વિધાર્થીઓ અને યુવા બેરોજગારોના હિતમાં સરકાર આવી શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરે તે જરૂરી બન્યું છે.
હેમંત ગામીત, તાપી: રાજ્યભરમાં 700 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. સૌથી વધુ 100 સ્કુલો એકલા કચ્છ (Kutch)માં એક શિક્ષક (Teacher)થી ચાલતી હોવાનું વિધાનસભા (Gujarat Essembly)માં ખુદ સરકારે જાહેર કર્યું છે. રાજ્યભરની વિવિધ શાળામાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રીયાલીટી ચેક દરમિયાન તાપી જિલ્લા (Tapi District)માં પણ 58 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલતી જોવા મળી છે. તેમજ રાજ્યમાં અનેક એવી શાળાઓ છે જ્યાં ઓરડાની ઘટ છે. લાંબા સમયથી શિક્ષકોની ભરતી ખોરંભે જતાં તાપી જિલ્લામાં પણ 400 થી વધુ શિક્ષકોની કાયમી અછત ઉભી થઈ છે જેને કારણે જિલ્લામાં 1 થી 5 ધોરણની 58 જેટલી શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે જ ચાલી રહી છે. ત્યારે સવાલ એક એવો ઉભો થાય છે કે શાળામાં વિદ્યાર્થીઓ ભણશે કઈ રીતે?
ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા તાપીમાં વ્યારા તેમજ વાલોડ તાલુકામાં અલગ અલગ શાળામાં જઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં દરેક શાળામાં દશેક દિવસ પહેલાં જ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે શિક્ષકોની કાયમી નિમણૂંક ક્યારેય થશે કે નહીં કે પછી પ્રવાસી શિક્ષકોના ભરોસે જ શિક્ષણનું ગાડું ગબડાવવાંમાં આવશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
તાપી જિલ્લામાં આ ઉપરાંત અંદાજિત 118 જેટલી શાળાઓ તો ફક્ત એક જ ઓરડામાં ચલાવવામાં આવી રહી છે. તેમજ અનેક શાળાઓ જર્જરીત પણ હોય વિધાર્થીઓ જર્જરીત મકાનમાં બેસીને શિક્ષણ લેવા મજબૂર છે. અનેક શાળામાં જર્જરીત મકાનો તોડી નવા મકાન બનાવવા અરજીઓ મળી છે જોકે તંત્ર ગ્રાંટનું બહાનું કાઢી શાળામાં નવા મકાનોના બાંધકામને પણ ટલ્લે ચઢાવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાપીમાં વ્યારાની ટીચકપુરા તેમજ વાલોડ તાલુકામાં દેગામા અને અંબાચ પ્રાથમિક શાળામાં છેલ્લાં એક વર્ષથી શિક્ષણ કાર્ય માત્ર એક જ શિક્ષક દ્વારા ચાલી રહ્યું હતું. હાલ પણ તંત્ર દ્વારા માત્ર પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરીને સંતોષ માન્યો છે ત્યારે વિધાર્થીઓ અને યુવા બેરોજગારોના હિતમાં સરકાર આવી શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરે તે જરૂરી બન્યું છે. શિક્ષકોની કાયમી અછત કારણે વાલીઓને પણ પોતાનાં બાળકોના ભવિષ્યયની ચિંતા સતાવતી રહી છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર