સુરત શહેરના અજાડણ ગામ દાળીયા સ્કુલની બાજુમાં આવેલી સીટી તલાટીની ઓફિસમાં કામ કરતા મહિલા અધિકારી અને તેમના વતી લાંચ લેતો વચેટીયો એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો
સુરત : રાજ્યમાં દિવાળી પહેલા એસીબીએ સપાટો બોલાવ્યો છે. એક પછી એક લાંચીયા સરકારી બાબુઓની દિવાળી બગડી રહી છે. સરકારી બાબુઓ લાંચ લેવાના નામે બદનામ છે, તેમાં પણ આરટીઓ કચેરી, અને જિલ્લા વહીવટી કચેરીઓ તથા પોલીસ વિભાગ લાંચ લેવાના નામે બદનામ થઈ ગયો છે. ત્યારે આજે સુરતમાં આવા જ એક લાંચીયા મહિલા કર્મચારીને એસીબીએ ધનતેરસના દિવસે જ ગેરકાયદે ધન ભેગુ કરવા જતા સકંજામાં લઈ લીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના અજાડણ ગામ દાળીયા સ્કુલની બાજુમાં આવેલી સીટી તલાટીની ઓફિસમાં કામ કરતા મહિલા અધિકારી અને તેમના વતી લાંચ લેતો વચેટીયો એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. પેઢીનામું બનાવી આપવા માટે મહિલા તલાટી અધિકારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી.
વિગતે ઘટનાની વાત કરીએ તો, શહેરના એક વ્યક્તિને કોઈ કામ માટે પેઢીનામાની જરૂર હતી. આ અંતર્ગત તે તલાટી ઓફિસમાં પેઢીનામા માટે ગયો હતો. પરંતુ, પેઢીનામું બનાવી આપવા માટે અનેક પ્રસ્નો અને ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી. આ સમયે કાંતીભાઈ ગોવિંદભાઈ પટેલ નામનો વ્યક્તિ તેમની પાસે આવ્યો તેણે 1500 રૂપિયા આપશો તો તમને પેઢીનામું બનાવી આપવાની વાત કરી હતી. તેણે મહિલા તલાટી અધિકારી હિરલબેન નવીનચંદ્ર ધોળકીયા સાથે સંપર્ક કરાવી આખરે 1000 રૂપિયામાં પેઢીનામું બનાવી આપવાનું નક્કી કર્યું.
જોકે, ફરિયાદીને પેઢીનામા માટે લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો અને આ મામલે ફરિયાદ આપી. એસીબીએ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચીયા અધિકારી અને તેના સાગરીતને ઝડપી પાડવા છટકું ગોઠવી દીધું. લાંચની રકમ ફરિયાદી દ્વારા આપવાના સમયે કાંતીભાઈએ મહિલા તલાટીનો સંપર્ક કર્યો અને લાંચની રકમ સ્વીકારી આ મામલે મહિલા અધિકારીએ લાંચની રકમ સ્વીકારવા માટે મંજુરી આપી. ત્યારબાદ તુરંત એસીબી દ્વારા લાંચ માટે મંજુરી આપનાર અને લાંચ હાથમાં પકડનાર વચેટીયાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ મામલે એસીબી પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત અજાજણ ગામ સીટ તલાટીની ઓફિસમાં કામ કરતા વર્ગ-3 મહિલા તલાટી રહે પાનપોર ગામ જેમના દ્વારા લાંચ માંગવાની ફરિયાદ આવી હતી જે અંતર્ગત સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઇ અને એ.સી.બી. સ્ટાફ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં હિરલબેન ધોળકીયા વતી 1000 રૂપિયાની લાંચ સ્વીકારનાર કાંતીભાઈ પટેલ રહે માસ્તર ફળીયું, જુનાગામને રંગેહાથ જડપી પાડી આરોપી હીરલબેન અને કાંતીભાઈની અટકાત કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર