કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં પતિ સાથે જમવા બાબતે થયેલા ઝઘડા બાદ પત્ની પોતાના બાળક સાથે ગુમ થઈ ગઈ હતી. ગઇકાલે માતા અને બાળકની લાશ મળી આવી છે. પતિ સાથે ઝઘડા બાદ પત્નીએ પોતાના પુત્ર સાથે નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.
મૂળ મહારાષ્ટ્રના અને હાલ કોસાડ આવાસમાં રહેતા સંજય બાદલના લગ્ન હેમલતા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન બંનેને સંતાનમાં એક પુત્ર હતો. ગત તારીખ 18મીએ હેમલતાનો તેના પતિ સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો.
આ વાતનું લાગી આવતા પત્ની પોતાના 3 વર્ષીય પુત્ર શૌર્યને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદમાં પરિવારે બંનેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ બાદ બંને મળી ન આવતા પતિએ અમરોલી પોલીસ મથકમાં તા. 19ના રોજ પત્ની અને પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ગતરોજ માતા અને દીકરાની લાશ કતારગામ નજીક તાપી નદીમાંથી મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે માતાએ પુત્રને દુપટ્ટા વડે બાંધીને તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. કતારગામ પોલીસે બંને લાશોનો કબજો લઇને આ મામલે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો :