સુરત : સ્માર્ટફોન (SmartPhone) એક ક્લિકના જોરે વિશ્વવની તમામ બાબતો તમારી વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્ક્રિન પર ધરી દે છે. કદાચ એના કારણે જ આજે માણસ કરતાં મોબાઇલ (Cellphone) વધુ કિંમતી બની રહ્યો છે. મોબાઇલની લત જિંદગી બરબાદ કરી શકે છે અને તેમાં પણ સાંસરિક જીવનમાં પલીતો ચાપી શકે છે તેનું તાદશ ઉદાહરણ સુરતમાંથી આવ્યું હતું. સુરતમાં એક પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી જેમાં મુખ્ય વિલન મોબાઇલ બન્યો હતો. જેમાં મામલો બીચકતા કોર્ટ (Family Court) સુધી પહોંચ્યો હતો. જોકે, પત્ની મોબાઇલનો મર્યાદિત ઉપયોગ કરે તો પરત સાથે લઈ જવાની પતિની શરત પત્નીએ ગ્રાહ્ય રાખતા મામલાનો સુખદ અંત આવ્યો હતો.
બનાવની વિગતો એવી છે કે સુરતના સૈયદપુરામાં રહેતા મિરાજ અને ફરહાના (પાત્રોના નામ બદલેલા છેના લગ્ન ગત વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ થયા હતા. દરમિયાન લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની પાતે ઝઘડાઓ થતા હતા જેના કાહરણે પત્ની ફરહાનાને પીયરમાં જવાની ફરજ પડી હતી. દરમિયાન પત્ની ફરહાનાએ પતિ મિરાજ વિરુદ્ધ કેસ દહેજસંબંધી ફરિયાદ દાખલ કરી હતી અને ભરણપોષણ માટે સુરતની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.
દરમિયાન આ કેસમાં પતિ પત્નીને સમજાવી અને સમાધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. જેમાં પતિ મિરાજે પત્ની ફરહાના આખો દિવસ મોબાઇલમાં રચી પચી રહેતી હોવાનો પક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે મારી પત્ની મારા કરતાં મોબાઇલને વધુ સમય આપે છે. ઘરકામને અને મને જોઈએ એટલો સમય આપતી નથી. જોકે, આવો પક્ષ મિરાજે રજૂ કરતાં સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.
દરમિયાન પતિએ આ અંગે બાહેંધરી માંગી હતી. જોકે, પોતાનો સંસાર બચાવવા માટે ફરહાના પણ તૈયાર થઈ ગઈ હતી અને તેણે લેખિતમાં પતિને મોબાઇલનો મર્યાદિત ઉપયોગ કરવાની બાહેંધરી આપી હતી. વધુમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ કરેલા કેસો પરત ખેંચી લેવાની તૈયારી પણ દર્શાવી હતી. આમ સ્માર્ટફોને સાંસારિક જીવનમાં પલીતો ચાપ્યો હતો. જોકે, આખરે આ જ બાબતમાં સુખદ અંત આવ્યો છે પરંતુ આ કિસ્સો અનેક યુગલો માટે લાલબત્તી સમાન કે શીખ સમાન પણ સાબિત થઈ શકે છે.