સુરત : લીંબાયત કમરુનગરમાં રહેતા પ્લમ્બરની ૨૫ વર્ષીય પુત્રીના ૯ વર્ષના લગ્નજીવનમાં ત્રણ પુત્રીનો જન્મ થતા સાસરીયા પુત્ર જોઈએ છે, તેવી માંગણી કરતા હતા. તેમજ દહેજ માટે ત્રાસ આપતા હોય તે પતિ વિરૂદ્ધ દહેજની ફરિયાદ નોંધાવ્યા બાદ નજીકમાં જ પિયરમાં રહેતી હતી. આ દરમિયાન, ચાર દિવસ અગાઉ પતિ તેના ઘરે આવ્યો હતો અને મારે તારી સાથે રહેવું નથી તેમ કહી ત્રણ વખત તલાક બોલી તલાક આપતા પરિણીતાએ લીંબાયત પોલીસ મથકમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લીંબાયત કમરુનગરમાં રહેતા પ્લમ્બરે તેમની ૨૫ વર્ષિય પુત્રી સમાના લગ્ન ૧૪ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ ઘર નજીક રહેતા ૩૨ વર્ષીય શેખ સુલતાન શેખ છોટુ સાથે કરાવ્યા હતા. લગ્નના થોડા દિવસો બાદ જ સાસરીયાઓ તેને નાની નાની વાતોમાં મહેણાં ટોણાં મારતા હતા અને પિયરથી દહેજ લાવવા દબાણ કરતા હતા.
આ પણ વાંચો -
સુરત: જાણીતા આયુર્વેદિક મલમ મહેન્દ્ર પટેલના માલિકે ભાગીદાર સાથે કરી 58 લાખની છેતરપિંડી
સમાએ લગ્નજીવન દરમિયાન ત્રણ પુત્રીઓને જન્મ આપતા સાસરીયાંઓ અમને છોકરો જોઈએ છીએ તેમ પણ કહી ત્રાસ ગુજારતા હતા. આથી સમાએ સાસરીયાંઓ વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં દહેજ અંગેની ફરિયાદ નોંધાવી હતી અને પિયરમાં રહેવા આવી ગઈ હતી.
આ દરમિયાન, ગત ૮ મી ની રાત્રે ૮ વાગ્યે તે જમી પરવારી માતાપિતા અને ભાઈ સાથે બેસેલી હતી ત્યારે તેનો પતિ ત્યાં આવ્યો હતો અને મારે તારી સાથે રહેવું નથી તેમ કહી ત્રણ વખત તલાક બોલી ચાલ્યો ગયો હતો. આ અંગે સમાએ ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં પતિ વિરુદ્ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.