કિર્તેશ પટેલ, સુરત: સુરત શહેર સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાત્રે ધીમીધારે વરસાદ પડ્યા બાદ સવારે સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદને લઈને વાતાવરણ રમણીય બની ગયું છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં ખાબક્યો છે. મંગલવારે સવારે સુરતમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર બહાર પાણી ભરાયા હતા. આ ઉપરાંત રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 10મી સપ્ટેબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને કાળા ડિબાંગ વાદળો વચ્ચે મોડીરાતથી વરસાદે એન્ટ્રી કરી હતી. ધીમીધારે વરસાદ બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં સુરત શહેર જાણે હિલસ્ટેશનમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવો માહોલ બની ગયો હતો. વરસાદને લઈને સૌથી વધારે ખુશ ધરતીપુત્રો છે. કારણ કે વાવણી બાદ દક્ષિણ ગુજરાતમાં સતત સારો વરસાદ પડ્યો છે.
ટ્રોમા સેન્ટર બહાર પાણી ભરાયા
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે મંગળવારે વહેલી સવારથી વરસલાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે નોકરી-ધંધે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બે કલાકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર જ પાણી ભરાઈ ગયા છે. જેને પગલે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદમાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે. આ ઉપરાંત ઉધનામાં આવેલા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.