કિર્તેશ પટેલ/કેતન પટેલ, સુરત: સુરત જિલ્લામાં ગઇકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે વહેલી સવારથી મેઘ મહેર થઇ રહી છે. સવારથી બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઇ ગયું છે. તેની સાથે સિવિલ હોસ્પિચટલનાં ટ્રોમા સેન્ટર બહાર પણ પાણી ભારઈ ગયું છે. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બારડોલીમાં રાજમાર્ગમાં ભૂવો પડતા કાર ખાબકી
બારડોલી નગરના રાજમાર્ગ પર આવેલી કોલેજ નજીક મસમોટો ભુવો પડ્યો હતો. જે ભુવામાં કોલેજમાં વિદ્યાર્થીને મુકવા આવેલા એક વાલીની વેગેનોર કાર ખાબકી હતી. જેના કારણે વાલીએ પરેશાની ભોગવવી પડી હતી. વિકાસની મોટી મોટી વાતો કરતી બારડોલી નગર પાલિકાની પ્રિમોંશુંન કામગીરીની પોલ ખુલ્લી પડી જવા પામી છે. નગરના રાજમાર્ગ પર અને તેમાં પણ શૈક્ષણિક સંસ્થા પી.આર.બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના દરવાજા પાસે જ મસમોટો ભુવો પડતા વિદ્યાર્થોએ પણ હાલાકી ભોગવવી પડે છે

ભૂવામાં ખાબકેલી કાર
ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ
સુરત જિલ્લામાં સવારે 6થી 10 વાગ્યા દરમિયાન નોંધાયેલ વરસાદમાં બારડોલીમાં 46 મિમિ, કામરેજમાં 50 મિમિ, માંડવીમાં 16 મિમિ, મહુવામાં 42 મિમિ, માંગરોળમાં 17 મિમિ, પલસાણામાં 12 મિમિ, ઉમરપાડામાં 148 મિમિ, સુરત શહેરમાં 57 મિમિ છે.

નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
સુરત શહેરની વાત કરીએ તો વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 49 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે અઠવામાં 45 મિમિ, વરાછા-એમાં 38 મિમિ, કતારગામમાં 36 મિમિ, રાંદેરમાં 33 મિમિ, લિંબાયતમાં 37 મિમિ, વરાછા-બીમાં 23 મિમિ અને ઉધનામાં 19 મિમિ વરસાદ પડ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં પાણી
સિવિલમાં પાણી ભરાયા
શહેરની સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં અને બહાર ફરીથી પાણી ભરાઈ ગયા હતા. જેનાં કારણે સિવિલમાં આવતા દર્દીઓ અને તેના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગર પાલિકાએ સિવિલ હોસ્પિટલની ડ્રેનેજ હોસ્પિટલની લાઇનો સાફ નથી કરી જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી રહી છે.