સુરતમાં વધુ એક મોટી લૂંટની ઘટના બની છે આ વખતે એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી રૂ. 1 કરોડના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ રચના સોસાયટી પાસે આવેલ જોગી જ્વેલર્સ નામની દુકાનમાં ચોર ટોળકી ત્રાટકી અને રૂ. 1 કરોડના દાગીના લઈ રફૂચક્કર થઈ ગઈ, સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મહત્વની વાત એ છે કે, જ્વેલર્સની દુકાન જ્યારે બંધ હતી તે સમયે ચોર ટોળકી દ્વારા ધોળે દિવસે બિલ્ડીગની પાછળ ગલીમાં દુકાનની પાછળ બાકોરૂ પાડી એક કરોડથી વધુના દાગીનાની ચોરી કરવામાં આવી છે.
આ મુદ્દે દુકાન માલિકે જમાવ્યું કે, અમે આજે અંગત કારણોસર દુકાન બંધ રાખી હતી તે સમયે ધોળા દિવસોએ ચોરોએ અમારી દુકાનમાંથી 80 હજાર રોકડા અને સોનાના દાગીના સહિત 1 કરોડથી વધારેની ચોરી કરી છે. આ અંગે અમને જાણ થતાં અમે દુકાન દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
હાલમાં પોલીસે સીસીટીવી અને ડોગસ્કવોડની મદદ લઈ ચોરીની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ અગાઉ સુરતમાં કરોડોની લૂંટ થઈ હતી તેમાં પોલીસને મળેલ સફળતા મુદ્દે તેમને શાબાસી આપવા આવવાના છે તેવામાં જ 1 કરોડની ચોરી થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને ઘટના સ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.