સુરત : રાજ્યમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. જોકે, તેનું કારણ નાઇટ કર્ફ્યૂ અને લોકોની જાગૃતિ છે. આ સ્થિતિમાં લોકોને મોટી સંખ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ છે જ્યારે એકઠાં થતા લોકો માટે પણ સામાજિક અંતર જાળવવાની સ્વૈચ્છીક અને સરકારી જવાબદારી છે. ત્યારે સુરત શહેરમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાના જન્મદિવસની ઊજવણીનો વીડિયો વાયરલ થયો છે. ગત રાત્રિના કાર્યક્રમની ઊજવણીના નામે વાયરલ થયેલા આ વીડિયોમાં અલ્પેશ કથીરિયાએ સમર્થક સાથે આ પ્રકારની ઊજવણી કરી હોવાનો વીડિયો વાયરલ થતા ચર્ચાની એરણે છે. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે અલ્પેશ કથીરિયા અને ફાર્મ હાઉસના માલિકને ડીટેન કર્યા છે.
આ મુદ્દે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે 'આ વીડિયો વાયરલ થયો કે આ ઘટના 5-10 મિનિટમાં ઘટી છે. જોકે, આ પ્રકારના અનેક કાર્યક્રમો સત્તા પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. આ ભૂલ હોઈ શકે પરંતુ સત્તા પક્ષ દ્વારા પણ આવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.' આ વીડિયો રાત્રિના 12.00 વાગ્યાની ઊજવણીના છે. સુરત પાસના કન્વીનરની આ પાર્ટી લગભગ રાત્રે મોડી રાત સુધી ચાલી હતી.
આ કાર્યક્રમ માટે એક આમંત્રણ પણ વાયરલ થયું હતુું જે નીચે મુજબ છે
પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર અને યુથઆઇકોન એવા યુવાહદયસમ્રાટ અલ્પેશભાઈ કથીરીયાનો આવતી કાલે જન્મદિવસ હોવાથી આજે રાત્રીભોજન સાથે લઈશું અને ભજન ગોષ્ઠી સાથે વાર્તાલાપ કરી છુટા પડીશું.
ખાસ નોંધ.
◆કોરોનાને કારણે મેસેજ બીજે મોકલવો નહિ ,તમને આમંત્રણ મળ્યું એ વ્યક્તિગત છે.માટે ફોરવર્ડ ન કરવું
◆જે મિત્રો આવવના હોય તે નામ લખી આપનો પ્રત્યુતર આપશો જેથી વ્યવસ્થા ગોઠવવામા અમોને અનુકૂળતા રહેશે.
તારીખ :- 24-12-2020
સમય :- સાંજે ૮:૦૦ કલાકે
સ્થળ :- સહજાનંદ ફાર્મ, કોસમાડા ગામ, ડિઝની રેસ્ટોરન્ટ ની બાજુ નો રોડ, નહેર રોડ, કોસમાડા.
ધારાસભ્ય હર્ષ સંઘવીએ આ વાયરલ વીડિયો વિશે કહ્યું હતું કે સૌની જવાબદારી છે જ્યારે રાજ્યના કોરોના યોદ્ધાઓ 9 મહિનાથી એક જંગ લડી રહ્યા હોય, સ્વાસ્થ્ય કર્મીઓ સતત કામ કરી રહ્યા હોય ત્યારે સૌની જવાબદારી છે કે આ પ્રકારે ભીડ એકઠી ન કરવી જોઈએ.
સુરતમાં પણ રાજ્યના અન્ય શહેરોની જેમ નાઇટ કર્ફ્યૂ લાગું થયું છે ત્યારે આ કર્ફ્યૂમાં લોકો બહાર નીકળે તો પોલીસ છોતરા કાઢી નાખે છે ત્યારે સરકાર અને ભાજપના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે હું પણ આવા કાર્યક્રમો કરીશ એ કહેવું યોગ્ય નથી.