સુરત: સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampradaya) ફરી વિવાદમાં આવ્યો છે. વડતાલ ગાદીના નિત્યસ્વરૂપ સ્વામીએ પોતાના મળતીયાઓ મારફતે ધમકી (Threat) આપતા હોવાનો સુરતના એક હરિભક્તે આક્ષેપ કર્યો છે. સુરતમાં બાંધકામ સાથે જોડાયેલા વાધજીભાઈ જોગાણી (Vaghjibhai Jogani) પાસેથી પાંચ કરોડ રૂપિયા માંગવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ મામલે હરિભક્ત તરફથી પોલીસ સ્ટેશન (Police Station)માં અરજી પણ આપવામાં આવી છે. હરિભક્તનો દાવો છે કે સ્વામીએ મંદિર (Swaminarayan Temple) બનાવવાના નામ પર હરિભક્તો પાસેથી કરોડો રૂપિયા એકઠા કરી લીધા છે. જે બાદમાં તેમણે મંદિર નહીં બાંધીને તેમણે હરિભક્તો સાથે છેતરપિંડી કરી છે.
ભક્તના કહેવા પ્રમાણે જગન્નાથપુરી મંદિર માટે કરોડો રૂપિયા લીધા બાદ મંદિર નહીં બાંધીને હરિભક્તો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં વાઘજીભાઈએ સુરતના હરિભક્તો પાસેથી કરોડો રૂપિયાનું દાન અપાવ્યું હતું. મંદિર ન બનાવવામાં આવતા તેમણે આ રૂપિયા પરત માંગ્યા હતા. જે બાદમાં તેમને ધમકી મળવાની શરૂ થઈ હતી. છેલ્લા 11 મહિનાથી તેમને ધમકી આપવામાં આવી રહી હતી.
આ મામલે શરૂઆતમાં વાઘજીભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફોન પર ધમકી મળી હોવાની અરજી આપી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે તા.13 અને 12 ફેબ્રુઆરીના રોજ તેમના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ શખ્સે ધર્મને લગતી બીભત્સ ગાળો ભાંડી હતી. આ ઉપરાંત અલગ અલગ વોઇસ મેસેજ મોકલવામાં આવતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે.
આ મામલે હરિભક્ત વાઘજીભાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હું સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છું. નિત્યસ્વરૂપ સ્વામી 25 વર્ષ પહેલા સાધુ થયા હતા. તેમણે મંદિર બાંધવા માટે તૈયારી કરી હતી. જે બાદમાં અમે મંદિર બાંધવા માટે કરોડો રૂપિયા આપ્યા છે. જોકે, સ્વામીએ મંદિર બાંધ્યું નથી. શંકરાચાર્યના આદેશ પ્રમાણે આ જગ્યાએ મંદિર બનાવી શકાય એમ નથી. જે બાદમાં અમે કહ્યું હતું કે જો મંદિર ન બનાવવું હોય તો અમારા પૈસા પરત આપો. જે બાદમાં સ્વામી પલટી મારીને બીજા પક્ષમાં જતા રહ્યા હતા. આ પૈસા સ્વામીએ બીટકોઈન અને બાંધકામમાં રોકી દીધા છે. અમે પૈસા પરત માંગતા ધમકીઓ આપવાની શરૂઆત થઈ હતી."
વાઘજીભાઈએ વધુમાં જણાવ્યું કે, "પોલીસ સ્ટેશનમાં અરજી બાદ મને લસણકા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ચારથી પાંચ વ્યક્તિીઓએ ધમકી આપી હતી કે અરજી પરત ખેંચી લો નહીં તો આ 50 લાખ રૂપિયાની ગાડી માથે ચઢી જશે. અમને પોલીસ તરફથી પૂરો સપોર્ટ છે પરંતુ કામ થતું નથી. આ વ્યક્તિએ લાલજી મહારાજના નામે કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે. હવે પૈસા પરત ન આપવા પડે તે માટે કેસને ઊંધા પાટે ચડાવવા માટે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરે છે. આ માટે મુંબઈના પોલીસ સ્ટેશનમાંથી પણ ધમકીભર્યો ફોન કરાવ્યો હતો."
સ્વામીએ અમારો વિશ્વાસઘાત કર્યો
વાઘજીભાઈ વધુમાં કહે છે કે,"સ્વામી જ્યારે સુરત આવ્યા હતા ત્યારે અમે તેમને મળવા માટે ગયા હતા. આ દરમિયાન તેમણે મારી ઓળખાણ ભેસાણના નિકુંજ ધનજી સાથે કરાવી હતી. આ ઉપરાંત સ્વામીએ નાના સ્વામીઓ સાથે ઓળખાણ કરાવી હતી અને કહ્યું હતું કે આ લોકો મારા માટે બિટ કોઇનમાં પૈસા રોકે છે. તમે પણ તેમાં રોકાણ કરો. અમે રોકાણ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે તે સમયે નિકુંજે મારો મોબાઇલ નંબર લઈ લીધો હતો. જે બાદમાં અમને ધમકીઓ મળવા લાગી હતી."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર