સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકને હનીટ્રેપમાં (honey trap) ફસાવી રૂપિયા પડાવતી એક મહિલા સહિત એક યુવકને વરાછા પોલીસે (varachha police) ઝડપી પાડ્યા હતા. જેમાં મહિલાએ યુવકનો ટેલીફોન સંપર્ક કરીને ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો હતો. અને બળાત્કારની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. જોકે બંને આરોપીઓની વરાછા પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે અને ખાસ મહિલાઓના કેસમાં હનીટ્રેપની ઘટનાઓ સતત સામે આવી રહી છે. મહિલાઓ મોકાનો લાભ ઉઠાવીને લોકોને બ્લેકમેઈલ કરે છે જેને લઈને લોકો બદનામીના ડરે આપઘાત પણ કરી લેતા હોય છે. ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં રેહતી યુવતી રીના હીરપરાએ એક યુવકનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો અને મીઠી મીઠી વાતો કરીને યુવકને વાતોમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ શરીર સબંધ બાંધવા વરાછા ભગીરથ સોસાયટી ખાતે બોલાવ્યો હતો.
જ્યાં આ યુવક જતા જ રીના હીરપરાના સાગરીતો પોહચી ગયા હતા. અને ફોટો પાડીને યુવતી સાથે બળાત્કાર ગુજારવા આવ્યો છે તેમ કહીને ધાક ધમકી આપી હતી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેને લઈને યુવક ગભરાય ગયો હતો. જેમાં રીનાના સાગરીતોએ પેહલા ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ત્યારબાદ ૨.૫૦ લાખમાં પતાવટ કરી હતી જેમાં યુવકે ૧.૫૦ લાખ રૂપિયા મંગાવી યુવતીને આપ્યા હતા જોકે બાકીના રૂપિયા લેવા માટે સતત ફોન કરીને હેરાન કરતા હતા જેને લઈને યુવકને વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો.