સુરત : માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાની જવાબદારી જે ટ્રાફિક બ્રિગેડના જવાનો પર છે, તે હવે રિતસર દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની જોવા મળેલી દાદાગીરીનો વીડિયો સુરતના સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીયો સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બની રહે છે.
સુરત શહેરના અલગ અલગ ટ્રાફિક માર્ગો પર સુવ્યવસ્થિત ટ્રાફિકનું સંચાલન થાય તે ઉદેશથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની નિમણુંક કરવામાં આવી છે, પરંતુ ટ્રાફિકનું સંચાલન કરવાના બદલે ટ્રાફિક બ્રિગેડના જવાનો હવે રીતસર ઉઘરાણા અને વાહન ચાલકો સાથે હાથાફાયીથી લઈ દાદાગીરી પર ઉતરી આવ્યા છે. જે ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં બનવા પામી છે.
ડીંડોલીના સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાંઈ પોઇન્ટ નજીક ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા એક વાહન ચાલકને અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વાહન ચાલકની ગાડીની ચાવી એક ટ્રાફિક બ્રિગેડના જવાન દ્વારા કાઢી લેવામાં આવી હતી. જે બાદ વાહન ચાલકે ટ્રાફિક બ્રિગેડનાના જવાન સાથે રકઝક પણ કરી હતી. આ જોઈ ત્યાં હાજર અન્ય ટ્રાફિક બ્રિગેડ જવાન ત્યાં આવી ચઢ્યો હતો અને વાહન ચાલક નો કોલર પકડી ખેંચીને અન્ય સ્થળે લઈ ગયો હતો.
આ પણ વાંચો -
સુરત: રત્નકલાકાર દોડતો થયો, ATM પાસે હોવા છતા ખાતામાંથી 30 હજાર બારોબાર ગાયબ, જાણો - પૂરી ઘટના
આ સમગ્ર ઘટનાનો વીડિયો એક જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં ઉતારી લેવામાં આવ્યો હતો. જે વિડીયો હાલ સુરતના સોસીયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયોને લઈ અહીં સવાલ એ ઉભા થાય છે કે, ટ્રાફિક બ્રિગેડના જવાનોને આવી તે સત્તા ક્યાં અધિકારીએ આપી કે વાહન ચાલકો સાથે આ પ્રમાણેનો દુર્વ્યહાર કરી શકે.
હાલ તો ટ્રાફિક બ્રિગેડના જવાનોની આ કરતુત અને દાદાગીરી જ્યારે સામે આવી છે, ત્યારે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે ક્યા પ્રકારની કાર્યવાહી કરે છે તે એક મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.