સુરત: ડીંડોલીમાં એક અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ડીંડોલીમાં અજાણી મહિલા અને અજાણી તરૂણી સહિત પાંચ જણાએ ફાયનાન્સની કંપનીમાં કામ કરતા કમર્ચારીને લોન લેવાના બહાને ઘરે બોલાવ્યો હતો. જે પછી રૂમ બંધ કરીને ફોટા વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 41 હજાર પડાવી લીધાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં વરાછાના યોગીચોક પાસે ગજાનંદ સોસાયટીમાં રહેતો 20 વર્ષીય સાગર જયસુખભાઇ સોજીત્રા ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. સાતએક દિવસ પહેલા એક અજાણી મહિલાએ તેને ફોન કર્યો હતો. ફોન કરીને તેણે કહ્યું હતું કે, ' મને તમારૂં વિઝિટીંગ કાર્ડ કોઇએ આપ્યું છે.' જે પછી મહિલાએ બે-ત્રણ વખત ફોન કરી લોન લેવા અંગે વાત કરી હતી. બાદમાં અજાણી મહિલાએ પોતાનું નામ ટીનાબેન હોવાનું કહીને ડીંડોલી ખાતે રંગીલા પાર્ક પાસે ઘરે બોલાવ્યો હતો.
જે બાદ મહિલાએ સાગરને તેનાં ઘરમાં બોલાવ્યો હતો. ઘરમાં મહિલા, એક 16 વર્ષીય તરૂણી અને ત્રણ અજાણ્યા પુરૂષો હતાં. આ લોકોએ મળીને યુવાનને માર મારી બિભત્સ ફોટા પાડયા હતા.
ત્યાર બાદ ફોટા વાયરલ કરવાની, છેડતી અને બળાત્કારનો ખોટો કેસ કરવાની ધાક ધમકી આપી હતી. આ ટોળકીએ સાગર પાસેથી પહેલા રૂ. 30 હજાર પડાવ્યાં હતાં અને પછી રૂ. 11,500 રૂપિયા પડાવ્યાં હતાં. કુલ મળીને તેની પાસેથી રૂ. 41 હજારથી વધારે ધમકાવીને લીધા હતાં.