સુરતના લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં ગતરાત્રે શ્રમજીવી યુવાનને પડોસમાં રહેતી યુવતી સાથે સગાઇ કરવી ભરી પડી હતી. કારણ કે તેના પૂર્વ પ્રેમીએ સંબંધ તોડી નાખવા માટે દબાણ કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સાથે જો સંબંધ નહીં તોડે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. યુવાને આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના લીંબાયત વિસ્તારમાં મારૂતીનગરમાં રહેતો શહેબાઝખાન પાસુખાન રઘુકુળ માર્કેટમાં મજુરી કામ કરે છે. પાંચ માસ અગાઉ તેની સગાઈ પાડોશમાં રહેતા અકીલ શેખની પુત્રી શાહીસ્તા સાથે થઇ હતી. જોકે સગાઇ બંને સાથે રહેતા હતા અને ફરવા પણ જતા હતા, ત્યારે આજથી આઠ દિવસ અગાઉ મીઠીખાડી બેઠી કોલોનીમાં રહેતો મોહીન ઉર્ફે મોના તેના મહોલ્લામાં આવ્યો હતો અને તેને આંતરી ઉભો રાખ્યો હતો અને કહ્યું, 'શાહીસ્તા મેરા પ્યાર હે, તુ ઈસ સે રીસ્તા તોડ દે'.
શહેબાઝખાને 'યે રીસ્તે કે બારે મેં મેરે પરીવાર કો પુછ કે બતાઉંગા' તેમ કહ્યું હતું. ત્યારબાદ ગતરાત્રે 8.30 વાગ્યે શહેબાઝખાન નમાઝ અદા કરી ઘરે પરત ફરતો હતો, ત્યારે બેઠી કોલોની જંગલશા બાવા સ્ટોરની દુકાન પાસે મોહીન ઉર્ફે મોના અને તેની સાથે આવેલા અજાણ્યા વ્યક્તિએ તેને ઉભો રાખ્યો હતો અને 'તુમને અભી તક ક્યુ રીસ્તા નહીં તોડા', કહી બંનેએ ગાળાગાળી કરી હતી.
શહેબાઝખાને ગાળો આપવાની ના પાડતા મોહીન ઉર્ફે મોનાએ છાતી, સાથળ સહિતના શરીરના ભાગમાં ચપ્પુના ઘા માર્યા હતા. શહેબાઝખાન પોતાનો જીવ બચાવવા ભાગતા જતા મોહીને પાછળ દોડી સાથળના ભાગે ફરી ચપ્પુના ઘા મારતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયો હતો.
'યે રીસ્તા નહીં તોડા તો જાનસે માર દુંગા', તેવી ધમકી આપી બંને ફરાર થઇ ગયા હતા. સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયેલા શહેબાઝખાને બનાવ અંગે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર