સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો પતિ દારૂ પીને પત્નીને હેરાન કરતો હતો, તે સાથે પત્નીના ચારિત્ર અંગે શંકા કરી સતત પત્નીને ત્રાસ આપતો હતો, જેને લઈને પતિથી દૂર રહીને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી પત્નીને 'તું સાથે કેમ નથી રાખતી' કહીને દારૂના નશામાં પતિએ પત્નીને જાહેરમાં ચપ્પુના ત્રણચાર ઘા મારી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ નવી બાંધકામની સાઇટમાં રહેતા કેટલાક મજૂરો પોતાના પરિવાર સાથે રહે છે. જોકે આ મજૂરોમાં વિજયસિંહ નામનો મજુર આમતો દારૂ પીવાની કુટેવ ધરાવે છે. આ દરમિયાન દારૂના નશામાં પત્નીને કેટલીક વાર માર મારતો હતો અને ચારિત્ર અંગે શંકા કરીને હેરાન કરવા સાથે માનસિક ત્રાસ આપતો હતો, જેથી રોજ રોજના મારથી કંટાળેલ પત્ની બાળકો સાથે પાંડેસરા વિસ્તારમાં સંબધીને ત્યાં રહેવા જતી રહી હતી.
લોકડાઉન દરમિયાન પતિ કમાતો નહીં હોવાને લઈને પરિવારનું ગુજરાન ચલાવામાં તકલીફ પડતી હોવા છતાંય પતિ કઈ કામ નહીં કરી દારૂપી રોજ મારતો હતો. પત્ની નજીકમાં જ રહેતા પિયુષ વિનોદભાઈ બેંગાની એમના વેપારીના ઘરે ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. પતિ ત્યાં પણ આવતો હતો અને પત્નીને પોતાની સાથે રહેવા માટે સતત કહેતો હતો. જોકે પત્નીએ પતિને ભાવ નહિ આપતા પતિ અકળાઈ ગયો તો અને આજે વેપારીના ઘરેથી કામ કરી પરત ફરી રહી હતી ત્યારે આ મહિલાનો પતિ સિટીલાઈટ વિસ્તારમાં આવેલા અશોક પાન સેન્ટરની ગલીમાં વિજયસિંઘે જાહેરમાં તેની પત્નીને અટકાવીને કહ્યું કે, તુ કેમ મને સાથે નથી રાખતી. આટલું કહીને બોલાચાલી બાદ ઝઘડો કરવા લાગ્યો હતો. ચારીત્ર્યની શંકા રાખીને જાહેરમાં પતિએ પત્ની પર હુમલો કર્યો હતો.
ધારદાર છરાથી ગળાની જમણી બાજુ તથા મોઢાના ભાગે બે ઘા તથા બંને હાથમાં ઘા મારવા લાગતા લોહી લુહાણ થઈ ગઈ, આ જોતા આસપાસથી લોકો દોડી આવતાં આરોપી નાસી ગયો હતો. બાદમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી ખૂનની કોશિષનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.