સુરત : શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ભલભલા ચોંકી જશે. ડિડોલીમાં શ્રમજીવીને ત્યાં મળસ્કે ચોરી કરી ગયા બાદ બુધવારે બપોરે તસ્કરો ફરી શ્રમજીવીના ઘરે આવી તેની પત્નીને પોલીસ ફરિયાદ કરશો તો જોઇ લઇશું તેવી ધમકી આપીને જતા રહ્યા હતા જોકે, ચોરી કાર્યા બાદ તસ્કરો ધમકી આપી જતા આ પરિવારે પોલીસ મથકમાં ચોરી સાથે ધમકી ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સી.આર.પાટીલ રોડ પર આવલેલા ન્યુ પ્રિયંકા ટાઉનશીપ વિભાગ 2, ઘર નં.277માં રહેતા 44 વર્ષીય મિસ્ત્રીલાલ છોટેલાલ ગુપ્તા ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલમાં પ્રિન્ટીંગ ટેકનીશ્યન છે. કોરોનાને લીધે તેમના બે પુત્ર અને એક પુત્રી હાલ વતનમાં છે અને પતિ-પત્ની જ અહીં રહે છે.
તા.3 ઓગસ્ટે રાતે ઊંઘ આવતી હોવાથી તેમની પત્ની અનારકલી દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. મળસ્કે મિસ્ત્રીલાલ લઘુશંકા માટે જાગ્યા ત્યારે ઘરમાં લાકડાના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃ.62,500 ની મત્તાની ચોરીની જાણ થઇ હતી.ત્યારે પોલીસ ફરિયાદ કરી નહોતી.
દરમિયાન બુધવારે તે નોકરી પર ગયા ત્યારે બપોરે બે વાગ્યે બાઇક પર બે અજાણ્યા તેમના ઘરે આવ્યા હતા અને તેમની પત્નીને ધમકી આપી હતી કે, પોલીસ ફરિયાદ કરશો તો જોઈ લઈશું.જોકે પતિને તાત્કાલિક આ અંગે પતિ મિસ્ત્રીલાલે જાણકારી આપતા પતિ તાબડતોબ ડિંડોલી પોલીસ મથકે દોડી જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પહેલા ચોરી અને ત્યાર બાદ ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.