સુરત પોલીસે આજે ત્રણ જુગારધામ પર રેડ કરી હતી. આ દરોડામાં 25 શકુનીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા છે. સુરતના લીંબાયત, અઠવા અને સચીન વિસ્તારમાં અલગ-અલગ ત્રણ જગ્યા પર બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. તમામ લોકોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લિંબાયતમાં ગોડાદરા ક્રિષ્નાનગર પાસે, અઠવામાં રૂદરપુરા લાપસીવાળાની ચાલ ડાહી ફળિયાના મકાનમાં અને સચીન જીઆઈડીસીમાં બાલાજી ક્રુપા સોસાયટી નજીક જેતે સ્થાનિક પોલીસે ગઈકાલે રેડ પાડી જુગાર રમતા કુલ ૨૫ જણાને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૧.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ, સર્વલન્સ સ્ટાફના માણસોઍ ગઈકાલે બાતમીના આધારે ગોડાદરા ક્રિષ્નાનગર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં રેડ પાડી જુગાર રમતા મુકેશ ચૌહાણ, ત્રીભુવનસિંગ ઠાકુર, શીવપુજન ચમાર, બબલુ ચૌહાણ, સુરજ ચૌહાણ, પ્રતાપ ચૌહાણ અને જયહિંદ ચૌહાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૧૫,૫૨૦ કબજે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે આવી જ રીતે રાજકોટ પોલીસ દ્વારા જુગારધામ પર દરોડા કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ તાલુકાના ખોરાણા ગામે વાડીની ઓરડીમાં દરોડો પાડી જુગાર રમતા આઠ જેટલા શખસોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ જોગી જોગરાણા ની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ તાલુકાના ખોરાણા ગામે આવેલી રમેશ ખોડાભાઈ ચૌહાણની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા માં આઠ જેટલા શકશો ઝડપાયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળ પરથી એક લાખ એકસઠ હજાર રૂપિયા રોકડ કબજે કરી હતી.
તો બીજી તરફ પ્રદ્યુમન નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ ચાવડાએ ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામનગર રોડ વાલ્મિકી શેરી નંબર 1/ 4 ના ખૂણા પાસે કેટલાક ઇસમો ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા કુલ છ જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા જેમની પાસે રોકડ રહેલા દસ હજાર સાતસો રૂપિયા પોલીસે કબજે કર્યા છે. તો સાથે જ તમામ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.