સુરત : કોરોના વાયરસને કારણે હાલ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે દેશની પોલીસ ખડેપગે લોકો પોતાના ઘરમાં જ રહે તેવી અપીલ કરી રહી છે. ઘરમાં રહેવાની વાત કેટલાક લોકોનાં મગજમાં ઉતરતી નથી અને કારણ વગર ઘરની બહાર લટાર મારવા નીકળી પડતા હોય છે. આવા લોકોને દેશભરની પોલીસ વિવિધ રીતે ટેકલ કરતી હોય છે. જેમાં હલ સુરતનાં એક પોલીસ કર્મીનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોલીસ કર્મી કહી રહ્યા છે કે, 'તોડ દેંગે શરીર કા એક એક કોના, લેકીન હોને નહીં દેંગે તુમકો કોરોના'
આ વીડિયોને ઘણાં લોકોએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે ત્યારે લેહનાં સાંસદ જામત્યાંગ ત્સેરીંગનાં ફેન પેજ પર પણ આ વીડિયો શેર થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ આ વીડિયોને ઘણી જ મઝા લઇને જોઇ રહ્યાં છે અને વખાણી રહ્યાં છે. જેમાં એક જણે તો કહ્યું કે, રોહિત શેટ્ટીને આ પોલીસ કર્મીનુ લોકેશન જોઇએ છે.
આ વાયરલ વીડિયોમાં જે પોલીસ કર્મી છે તે સુરતનાં ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણ પાટીલ છે. આ વીડિયો અંગે તેમણે માહિતી આપતા જણાવ્યું કે, કન્ટ્રોલરૂમમાંથી કોલ મળ્યો હતો કે, ઉધના વિસ્તરમાં આવેલા ભીમનગર સ્લમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોના ટોળા ભેગા થયા છે. ત્યારે અમારી પાસે સ્ટાફ ઓછો હતો અને થોડા જ સ્ટાફમાં મોટી વસ્તીને કંટ્રોલ કરવી પડકાર રૂપ હતું. લોકો પોલીસ પર પથ્થરમારો ન કરે તે માટે પોલીસ કર્મચારી પ્રવીણ પાટીલે આ રીતે લોકોને અપીલ કરી હતી.
આ વિસ્તારમાં પરપ્રાંતિયોની વસતી વધારે છે. પીસીઆર વાનમાં માઈક લગાડેલું હતું એટલે ફિલ્મી સ્ટાઈલથી બોલીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પીસીઆર વાનના માઈક પર વીડિયો ચાલુ રાખી એલાન કર્યું કે, 'કોઈ ઘર સે બહાર નીકલેગા નહીં, તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના, મગર હોને નહીં દેંગે તુમકો કોરોના. કોરોના વાઈરસ બઢ રહા હૈ, આપકે અચ્છે કે લીયે બોલ રહા હું.' આ વીડિયો તેમણે વોટ્સએપ સ્ટેટસ પર મુક્યો હતો આ વિડીયો ફેસબુક-ટ્વીટર પર ધૂમ મચાવ્યો હતો.