સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં લાગેલી આગને કારણે એક વિદ્યાર્થી અને એક શિક્ષિકાનું મોત થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. આ મામલે ઉમરા પોલીસે ક્યુરિયસ માઇન્ડ એકેડેમી ક્લાસીસ સામે એફઆઈઆર નોંધી છે. બુધવારે સુરત પોલીસ કમિશ્નર તરફથી આ મામલે ફરિયાદ નોંધવાનો આદેશ કરાયો હતો. પોલીસે બેદરકારી બદલે આઈપીસીની કલમ 304 પ્રમાણે ફરિયાદ નોંધી છે. વિવેક કુમાર સિંઘ અને પ્રભાત કુમાર સિંઘ આ કલાસિસના સંચાલકો છે.
સંચાલકોનો વીડિયો થયો વાયરલ
બીજી તરફ ક્યુરિયસ માઇન્ડ એકેડેમની ક્લાસીસના સંચાલકોનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં વિવેક કુમાર અને પ્રભાત કુમાર પોતાને નિર્દોશ ગણાવી રહ્યા છે. એટલું જ નહીં બંનેએ આ કેસમાં તેમને ફસાવી દેવાનો આક્ષેપ લગાવ્યો છે. વીડિયોમાં બંને જણાવી રહ્યા છે કે આગ કે મોત મામલે તેમની કોઈ ભૂલ નથી. બંનેએ મીડિયામાં આવેલા સમાચાર પર પણ આક્ષેપ લગાવ્યા હતા.
ફાયર વિભાગ હરકતમાં આવ્યું
આગમ આર્કેડમાં લાગેલી આગમાં બે લોકોનાં મોત થયા બાદ શહેરનું ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. ફાયર વિભાગ તરફથી ફાયરના સાધનો ન રાખનાર કોમર્શિયલ બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર તરફથી ચાર કોમર્શિયલ બિલ્ડિગને આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે સુરત શહેરમાં 40 ટકા ઇમારતોમાં ફાયરના સાધનો નથી તો કેટલિક બિલ્ડિંગોમાં ફાયરના સાધનો દેખાવ ખાતર લગાવવામાં આવ્યા છે.
મંગળવારે આગમ આક્રેડમાં શોર્ટસર્કિટને કારણે લાગેલી આગમાં ધુમાડાથી ગૂંગળામણને કારણે એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આગ બાદ ત્રીજા માળે ચાલી રહેલા ટ્યુશન ક્લાસિસના કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષિકા ફસાયા હતા. વિદ્યાર્થીઓ જે રૂમમાં હતાં ત્યાં ધૂમાડો ફેલાી ગયો હોવાથી તમામને ગૂંગળામણની અસર થવા લાગી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે ક્લાસમાં બંધ 35 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. આ બનાવમાં શિક્ષિકાની હાલત ગંભીર હતી, જેની બાદમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર