સુરત : અમરોલી વિસ્તારમાં પતિથી અલગ રહેતી પરિણીતાને લોન ઍજન્ટે પ્રેમજાળમાં ફસાવી તેની પત્નીને છુટાછેટા આપી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર બળાત્કાર કર્યા બાદ લગ્ન નહી કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. જોકે આ મહિલા સાથે છેતરપિંડી કરતા યુવાન વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઇને પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં સતત મહિલા અત્યાચાર અને તેમાં પણ મહિલા સાથે છેડતી અને દુષ્કર્મની સતત ફરિયાદો દિવસેને દિવસે વધી રહીં છે, ત્યારે આજે વધુ એક મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં બહેનના ઘરે રહેતી બે સંતાનની માતા ૩૩ વર્ષીય પરિણીતા લોનના કામ અર્થ લોન ઍજન્ટ રોહીત સોલંકી સાથે સંપર્ક થયો હતો. લોનના કામકાજને લઈને બંને વચ્ચે અવાર નવાર મળવાનું થતું હતું.
પરિણીતા તેના પતિથી અલગ રહેતી હતી અને રોહીત સોલંકી પણ પત્નીથી અલગ રહેતો હતો. ધીરે-ધીરે બંને જણા ઍકબીજાની નજીક આવ્યા હતા. રોહીતે પરિણીતાને તેની પત્નીને છુટાછેડા આપી તેણીની સાથે લગ્ન કરવાનુ કહી વિશ્વાસમા લઇને પ્રેમજાળમાં ફસાવી હતી અને અવાર નવાર તેણીના ઘરે જઈ મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. આ રીતે ત્રણેક મહિના સુધી શારીરીક સંબંધો બાંધ્યા હતા.
ત્યારબાદ પરિણીતાઍ અનેક વખત લગ્ન કરવાનુ કહેતા રોહીત ઉશ્કેરાયો હતો અને પરિણીતા સાથે ગાળાગાળી કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી, અને આ મહિલાને તરછોડી દીધી હતી. જોકે પોતાની સાથે યુવાને વિશ્વાસ ઘાત કરી તેનું શારીરિક શોષણ કરી તેને તરછોડી દેતા આ મહિલાએ યુવાન વિરુદ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ રોહીત સોલંકી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી, તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.