સુરત: શહેરના લીંબાયતમાં છેલ્લા કેટલાક સમયથી રાવણ ગેંગ અને ડુક્કર ગેંગ વચ્ચે ગેંગવોર ચાલે છે ત્યારે જેલમાં થયેલા ઝગડાની અદાવતમાં ડુક્કર ગેંગ પર હુમલો કરવા ગયેલા રાવણ ગેંગેના સભ્યોએ ડુક્કર ગેંગના યુવાનને જાહેરમાં રહેંસી નાખતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સુરતનો લીંબાયત વિસ્તાર જાણે ગુનેગારોનું હબ બનવા જઈ રહ્યો છે, ત્યારે અહીંયા અનેક ગેંગ સક્રિય છે. છાસવારે નાની-નાની બાબતે અહીંયા ગેંગ વોર થઇ જતી હોય છે, ત્યારે છેલ્લા કેટલાક સમથી આ વિસ્તારમાં ડુક્કર ગેંગ અને રાવણ ગેંગે વચ્ચે માથા કૂટ ચાલી રહી છે. બે હત્યા અને કેટલીક વાર હત્યાના પ્રયાસ કરવામાં આવ્યા છે. ત્યારે આસ્તિક નગર ખાતે આજે ફરી એક વાર ગેંગે વોર જોવા મળી હતી.
પોલીસ અનુસાર, જેલમાં થયેલી માથાકૂટને લઈને ડીંડોલી વિસ્તારમાં રહેતો રાવણ ગેંગનો યોગેશ પાટીલ નામનો યુવાન જે ડુક્કર ગેંગના સભ્ય વિકી નામના યુવાનને આજે હથિયારો સાથે મારવા પહોંચ્યો હતો. જોકે આ યુવાનનું નસીબ સારું હતું કે યોગેશે હુમલો કરતા વિકીને માત્ર ઇજા થઈ હતી. જોકે વિકી સાથે રહેલ તેનો ભાઈ અને તેની ગેંગના યુવાનોએ રાવણ ગેંગના યુવાન યોગેશને જાહેરમાં તીક્ષણ હથિયાર વડે રહેંસી નાખી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.
જોકે જાહેરમાં થયેલી ઘાતકી હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ફરી એકવાર ગેંગવોરમાં થયેલી હત્યાને લઈને તાત્કાલિક લીંબાયત પોલીસ બનાવ સ્થળ પર દોડી આવીને આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, આ વિસ્તારમાં પોલીસ ની બીક રહી નથી, જેને લઈને આ વિસ્તારમાં આ ગેંગ અવાર-નવાર જીવલેણ હુમલા કરી લોકોની હત્યા કરતી હોય છે. જેને લઇને સમગ્ર વિસ્તારમાં ડર સાથે પોલીસ સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.