સુરત : પુણાગામ સીતારામ સોસાયટીમાં રહેતા યુવકે ફેસબુક મેસેજર ઉપર વેચાણ કરવા માટે મુકેલી ઇકો ગાડી મહારાષ્ટ્રના ધરનગાંવના યુવકે ખરીદી બાના પેટે પૈસા આપ્યા બાદ બાકીના ૬૦ હજાર અને લોનના હપ્તાના રૂપિયા ૨.૩૪ લાખની ભરપાઈ નહી કરી કુલ રૂપિયા ૨.૯૪ લાખની છેતરપિંડી કરી હતી.
સુરત સતત સોશલ મીડિયા છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન લોકો સાથે છેતરપિંડીની સતત ઘટના બની રહે છે, ત્યારે ઓનલાઇન ખરીદી કરવી કેટલાક લોકોને ભારે પડે છે, ત્યારે આવી એક વધુ ઘટના સામે આવી છે. સુરતના પુણાગામ સીતારામ સોસાયટીમાં પંકજભાઈના મકાનમાં રહેતા અને ડ્રાઈવીંગનું કામ કરતા સુરેશ મંગારામ લાખારા (ઉ.વ.૨૭)ઍ તેની ઈકો ગાડી મેસેંજર ઉપર વેચાણ માટે મુકી હતી. જે જાહેરાત જોઈ ગણેશ સેનપડુ તાયડે (રહે, રામલીલા ચોક મોટા માલીવાડા ધરનગાંવ , જલગાંવ મહારાષ્ટ્ર)ઍ ફોન કરી ગાડી પસંદ હોવાનું કહી રૂપિયા ૩,૪૪,૨૬૪ માં સોદો કર્યો હતો. સુરેશને ગત તા ૧૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ બાના પેટે રૂપિયા ૫૦,૦૦૦ આપ્યા હતા, જયારે બાકીના ૬૦,૦૦૦ પંદર દિવસમાં અને ગાડીની લોનના હપ્તાના રૂપિયા ૨,૩૪,૨૬૪ની ભરપાઈ કરવાનું નક્કી થયું હતું.
જોકે આરોપી ગણેશ તાયડેઍ બાકીની રકમ કે હપ્તાની ભરપાઈ કરી ન હતી તેમજ ઈકો ગાડી પોતાના કબજામાં રાખી હતી. આ અંગે સુરેશ લખારાઍ તેને વાત કરતા ઉશ્કેરાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોતાની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા સુરેશ લખારાઍ ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણેશ તાયડે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આવી સતત ફરિયાદો આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા આવા ઠગોથી ચેતવા માટે સતત જાહેરાત કરવામાં આવે છે, પણ લોકો લોભ અને લાલચમાં આવી જઇને આવા ઠગોના હાથે શિકાર બની રહ્યા છે, ત્યારે આવા ઠગો સુધી પહોંચવા પોલીસને સફળતા પણ મળી રહી છે.