Home /News /south-gujarat /

સુરત : વરાછામાં મનપાની ટીમને દબાણ હટાવવું ભારે પડ્યું, કર્મચારીઓ પર હુમલો - Video

સુરત : વરાછામાં મનપાની ટીમને દબાણ હટાવવું ભારે પડ્યું, કર્મચારીઓ પર હુમલો - Video

સુરતમાં દબાણની ટીમ પર હુમલો

શાકભાજીની લારીના માલિકો દ્વારા મનપાના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે બીજા વિસ્તારમાં મનપાની ગાડીની આગળ સૂઇ જઇને લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

સુરત : મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં કર્મચારીઓ આજે ઝીરો દબાણમાં રહેલી શાકભાજીની લારી હટાવવા પહોંચ્યા હતા. જોકે આ લારી હટાવવાનું મનપાના કર્મચારીઓને ભારે પડયું હતું. કારણ કે, રોજના નુકસાનને લઇને હેરાન શાકભાજીની લારીના માલિકો દ્વારા મનપાના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે બીજા વિસ્તારમાં મનપાની ગાડીની આગળ સૂઇ જઇને લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બંને ઘટનાને લઇને મનપાના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

સુરત શહેરનો જે પ્રકારે વિકાસ વધી રહ્યો છે તેની સામે શહેરમાં વિસ્તારોમાં લોકોનો વેપાર ઉદ્યોગ પણ વધી રહ્યો છે, સાથે ટ્રાફિક પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને પગલે દબાણખાતા દ્વારા શહેરમાં વસવાટ કરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આજે મહાનગરપાલિકા દ્વારા શાકભાજીનો વેપાર કરતા લારી ગલ્લાવાળાઓને ત્યાંથી હટાવવા માટે અલગ-અલગ બે ટીમો કામગીરી માટે નીકળી હતી, જેમાં પ્રથમ ટીમ વરાછા ખોડીયાર નગર ખાતે પહોંચી હતી. અહીંયા દબાણ હટાવવા આવેલી ટીમ પર શાકભાજીની લારીના માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - સુરતમાં કાળજુ કંપી ઉઠે તેવી ઘટના: પુત્રવધૂ દ્વારા લાચાર વૃદ્ધ સાસુને માર મારતા Videoથી ચકચાર, પોલીસ આવી મદદે

બીજી બાજુ ટીમ ધર્મનગર નજીકના જિંદાબાદ પર દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી, જેને લઇને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને લારી ગલ્લાવાળા મહાનગરપાલિકાની ટીમના સાધનો અથવા જે ટ્રક લઈને પહોંચ્યા તેની આગળના ભાગે સુઈ જઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરનાર લોકોએ કેટલાક કર્મચારીઓ દર મહિને મોટો હપ્તો લઈ જતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 'કોરોના કાળથી લારી-ગલ્લાવાળાનો વેપાર ધંધો પડી ભાંગ્યો છે, ત્યારે મહાનગરપાલિકા જે રીતે દબાણના નામે તેમને રંજાડી રહી છે તેને લઈને તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે'.



આ રીતે બે જગ્યા પર વિરોધ સાથે હુમલો કરવાની ઘટનાને લઇ સુરતના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ મામલે સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પણ જે પ્રકારે ભૂતકાળમાં પણ કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા આજરોજ પણ આ મામલે કોઇપણ જાતની પોલીસ ફરિયાદ આપવામાં નથી, બીજી બાજુ લારી-ગલ્લાવાળા ગેરકાયદેસર રીતે લોકોને નડતરરૂપ થાય તે પ્રમાણે વેપાર કરે છે અને તેમને અટકાવવા જતાં તેઓ દાદાગીરી કરતા હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે જોવાનું રહ્યું કે, આ મામલે હવે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલા લેવાય છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat Municipal corporation, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन