સુરત : ગુનાખોરી(Crime)નો ગ્રાફ જાણે સતત વધી રહ્યો હોય તેમ રોજેરોજ હત્યા (Murder), લૂંટ (Robbery), દુષ્કર્મ (Rape)ની ઘટાનાઓ વધી રહી છે. ત્યારે ગઇકાલે રાત્રે પણ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં કમલેશ નામના યુવાનને જાહેરમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. જોકે, હત્યા કરીને થોડી જ મિનિટોમાં હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. જોકે, પરિવારના આશાસ્પદ યુવાનનું કરૂણ રીતે મોત નીપજતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આ અંગે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીનાં દિવસોમાં બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં કમલેશ નામના યુવાનની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. નવાગામ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતો કમલેશ યશવંતભાઈ નિકમ(ઉ,વ,૨૪) ટેમ્પો ચલાવે છે. કમલેશ માથાભારે છાપ ધરાવે છે અને અગાઉ તડીપાર પણ થયો હતો. દરમિયાન ગઈકાલે બપોરે કોઈ સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ રાત્રેના સાડા નવેક વાગ્યે કમલેશ તેની સોસાયટીની બાજુની ગલીમાં ગયો હતો ત્યારે બે અજાણ્યાઓઍ તેના હાથ અને પેટના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
યુવાની હત્યા મામલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસે તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસે હત્યા કરનાર બે ઇસમો પવન ઉર્ફે હજાર શિવાજી પાટીલ અને વીરેન ઉર્ફે વીરુ માળીને ગણતરીનાં દિવસોમાં ઝડપી પાડ્યા હતા.
આ બંને ઈસમોનો કમલેશ સાથે બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. અને આ ઝઘડાની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક કમલેશ તડીપાર છે અને તેના વિરુદ્ધ મારામારી જેવા ગુનામાં અનેક વાર ફરિયાદ થઇ છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.