સુરતનાં ભટારમાં કારખાનેદારનાં ઘરે અઠવાડિયા પહેલા કુરિયરમાં1.35 લાખના દારૂના પાર્સલો આવ્યા હતા. જેમાં કારખાનેદારે પોલીસને જાણ કરી હતી. ખટોદરા પોલીસે પાર્સલ પર લખાયેલા મોબાઇલ નંબરના આધારે ગુનો નોંધી એક આરોપીને પકડી પાડયો છે.
આપણે આવર નવાર સાંભળતા આવ્યા છે કે સુરતમાં બુટલેગરો કોઈને કોઈ રીતે દારૂ સપ્લાય કરતા હોય છે ત્યારે ખટોદરા પોલીસે આવા જ એક ખુરાપાતી આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીનું નામ સંદીપ શીલુરામ મદન છે અને તે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે દ્વારકેશ સોસાયટીમાં ભાડેથી રહે છે અને રિક્ષા ચલાવે છે. તે મૂળ હરિયાણાનાં પાનીપતનો રહેવાસી છે.
ખટોદરા પોલીસ સ્ટેશનનાં PSI તરુણ પટેલનાં જણાવ્યાં અનુસાર, હરિયાણાનાં પાનીપતમાં મિત્ર નામે રવિન્દ્ર દ્વારા તેને પાર્સલોમાં દારૂનો માલ મોકલ્યો હતો. પછી રિક્ષાચાલક સુરતમાં તેના ગામના ઓળખીતા લોકોને દારૂનો માલ વેચાણ કરતો હતો. અગાઉ બે મહિના પહેલા મિત્રએ કુરિયરમાં પાર્સલ કરી દારૂની 7 થી 8 બોટલો મોકલી હતી. તે વખતે કુરિયરબોયએ ફોન કરી દેતા રસ્તામાંથી સંદીપ પાર્સલ લઈ ગયો હતો
જયારે આ વખતે કુરિયરબોયએ જે એડ્રેસ હતું તેના પર આપવા જતો રહેતા ચાલક અને તેના મિત્રનો ભાંડો ફુટી ગયો હતો. વધુમાં રિક્ષાચાલક સંદીપ આજુબાજુનાં વિસ્તારમાં કોઈના પણ આધારકાર્ડની ઝેરોક્ષ લઈ તેના મિત્રને મોકલી આપતો હતો પછી મિત્ર કુરિયરમાં જે પાર્સલો મોકલી આપતો તેના પર આધારકાર્ડની ઝેરોક્ષ લગાવી મોબાઇલ નંબર સંદીપનો લખી દેતો હતો.
ચાર પાર્સલોમાં 1.35 લાખનો વિદેશી દારૂ દિલ્હી એક્સપ્રેસથી 9મી નવેમ્બરે ભટાર ઉમાભવન વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા અશોક દીપચંદ્ર ઝવરનું આધારકાર્ડનું એડ્રેસ લખી મોકલી આપ્યો હતો.આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ ના આધારે રીક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.