સુરત: સુરતમાં બ્લેકમેઇલ (Blackmailing of teenage girl) કરી દુષ્કર્મ આચરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં અશ્વની કુમાર રોડ ખાતે રહેતા યુવકે સગીરાને મળવા માટે બોલાવી તેણી સાથેના ફોટા પાડી લીધા હતા. બાદમાં સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણીને બ્લેકમેઇલ કરીને બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી સગીરાને બ્લેકમેઇલ કરી શરીર સંબંધ બાંધવા દબાણ કરાતું હોવાથી આ મામલે સગીરાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધીને મોબાઈલ વેપારી (Mobile trader)ની ધરપકડ કરી છે. પોલીસે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે વરાછાની એક સોસાયટીમાં રહેતા યુવકે સોસાયટીમાં જ રહેતી સગીરાને મળવા માટે બોલાવીને તેણીના ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ત્રણ વર્ષ પહેલા બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે વરાછા પોલીસે ગુનો નોંધીને મોબાઇલના વેપારીની ધરપકડ પણ કરી છે.
વરાછા એ.કે.રોડ ઉપર શિવાંજલી સોસાયટીમાં રહેતા દર્શક દિનેશ ભંડેરી નામનો યુવક મોબાઇલ દુકાન ચલાવે છે. દર્શકે તેની જ સોસાયટીમાં રહેતી 17 વર્ષીય સગીરા સાથે પરિચય કેળવી એકાંતમાં મળવા માટે બોલાવી યુવતીના ફોટા પાડી લીધા હતા. આ તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને તેણે સગીરાને મળવા બોલાવી હતી. વર્ષ 2018થી અત્યારસુધીમાં સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
ઉપરાંત આ અંગે કોઇને જાણ કરશે તો તેણીને તથા તેના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અવારનવાર મળવા માટે અને શરીર સંબંધ બાંધવા સગીરાને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી. તેમજ આ મામલે કોઈને જાણ કરશે તો તેણીને તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આખરે કિશોરીએ આ મામલે પરિવારના સભ્યોને વાત કરતાં પરિવારે દીકરીને હિંમત આપી હતી. જે બાદમાં કિશોરીએ નરાધમ વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દર્શક દિનેશ ભંડારી સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.