સુરત : કોરોનાને લઇને 21 દિવસના લૉકડાઉન (Lockdown) વચ્ચે સુરતમાં અન્ય પ્રાંતમાંથી આવેલા લોકો હિજરત (Migrants) કરી રહ્યા છે. ખાવાપીવાની તકલીફને લઇને હિજરત હજુ પણ ચાલુ જ છે. ત્યારે મધ્ય પ્રદેશ (Madhya Pradesh)થી આવેલા એક હાથીને પણ ખાવાપીવાની તકલીફ પડતી હોવાથી હાથીને પોતાના પ્રદેશમાં લઈ જવાની મંજૂરી તેના માલિક દ્વારા માંગવામાં આવી હતી. જોકે, કલેક્ટરે (Surat Collector)આ અરજીને નકારી દીધી છે.
કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રોજીરોટીની શોધમાં સુરત આવીને વસેલા પરપ્રાંતિયોને ખાવાપીવાની તકલીફ પડી રહી છે. ઉદ્યોગ અને ધંધા પણ બંધ થતા તમામ લોકોએ વતનની વાટ પકડી છે. માણસની સાથે સાથે હવે પશુ પણ હિજરત કરવાની તૈયારી કરી રહ્યા છે. રાજગારીની શોધમાં મધ્યપ્રદેશના ટિકમગઢ જિલ્લાના વતની મહાવત પિરમૂર્તકુમાર પાલ છેલ્લા કેટલાક સમયથી પોતાના હાથી સાથે સુરત આવ્યા છે.
તેઓ પોતાના હાથીને પુણા ગામ વિસ્તારમાં આવેલી સિતાનગર ચોકડી પાસે બ્રિજ નીચે બાંધે છે અને ત્યાં જ રહે છે. પિરમૂર્તકુમાર ધાર્મિક કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમમાં હાથી ભાડે આપીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ લૉકડાઉનના કારણે તેમને હાથીની ચિંતા સતાવી રહી છે. કારણ કે અત્યારે હાથીને કોઈ ભાડે લઈ જતું નથી, તેમજ દરરોજ ખર્ચ કરી શકે એટલા તેમની પાસે પૈસા નથી.
જોકે, હાલ હાથીને ખાવાપાણીની કોઇ તકલીફ નથી. તેમની પાસે પુરતો ખોરાક છે પરંતુ ભવિષ્યમાં આવી તકલીફ પડે તેવી દહેશત હોવાથી મહાવત આ મામલે પોતાના વતન પરત ફરવા માટે સુરત કલેકટરની પરવાનગી લેવા ગયા હતા. જ્યાં હાથીને પોતાના વતનમાં લઇ જવા માટેની પરવાનગી આપવા માટેની માંગણી કરી હતી. જોકે, મંજૂરી મળી ન હતી. પરવાનગીનો ઇન્કાર કરતા અધિકારીઓએ જો જરૂરી પડે તો હાથીને વેટનરીમાં રાખવાની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર